દેશનાં વિભિન્ન રાજ્યોમાં માહિતી કમિશનરોની મંજૂર કરાયેલી 165 જગ્યાઓ પૈકી 42 જગ્યા ખાલી છે, જ્યારે બે રાજ્યો ગુજરાત અને ઝારખંડમાં ચીફ ઇન્ફરમેશન કમિશનર (CIC)ની જગ્યા ખાલી છે તેમ સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સક્રિય રીતે માહિતી ઉપલબ્ધ કરાવવામાં ગેર-અનુપાલન, નાગરિકો પ્રત્યે પબ્લિક ઇન્ફરમેશન ઓફિસર (PIO)ના વિરોધી દ્રષ્ટિકોણ અને માહિતી છુપાવવા માટે માહિતીનો અધિકાર (RTI) અધિનિયમની જોગવાઇઓની ખોટી વ્યાખ્યા, જાહેર હિતો અંગે સ્પષ્ટતાનો અભાવ અને પ્રાઇવેસીનો અધિકાર પારદર્શકતા કાયદાના અસરકારક અમલીકરણના માર્ગમાં અવરોધ ઉભા કરે છે.
બિન સરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા (TII)ના છઠ્ઠા સ્ટેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ, 2022માં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય માહિતી કમિશનરો અને માહિતી કમિશનરોના મંજૂર કરાયેલ 165 જગ્યાઓમાંથી 42 જગ્યા ખાલી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ 42 ખાલી જગ્યાઓ પૈકી બે જગ્યા ગુજરાત અને ઝારખંડનાં મુખ્ય માહિતી કમિશનર અને 40 માહિતી કમિશનરોની છે.
આ અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચાર-ચાર જગ્યા ખાલી છે. જ્યારે ઉત્તરાખંડ, કેરળ, હરિયાણા અને કેન્દ્રમાં ત્રણ-ત્રણ જગ્યા ખાલી છે અને માહિતી કમિશનરોના પાંચ ટકાથી ઓછા પદો પર મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ છે. અહેવાલ મુજબ 2005-06થી 2020-21 સુધી માહિતી પંચો દ્વારા નોંધવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યો અને કેન્દ્રને 4,20,75,403 આરટીઆઇ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જયારે બિહાર, ગોવા, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન અને તમિલનાડુ સહિત ફક્ત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આરટીઆઇ દાખલ કરવા માટે ઓનલાઇન પોર્ટલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500