કેન્દ્ર સરકારે ટેલિકોમ ઓપરેટર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના આદેશ આપ્યા હતા.
દૂરસંચાર મંત્રાલયે એક નિવેદનમાં સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે ટેલિકોમ વિભાગ, ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસના સહયોગની જાહેરાત કરી છે. આ સહયોગી પ્રયાસનો હેતુ છેતરપિંડી કરનારાઓના નેટવર્કને ખતમ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે.ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે સાયબર ગુનાઓમાં 28,200 મોબાઈલ હેન્ડસેટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
ટેલિકોમ વિભાગે વધુ વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે આ મોબાઈલ હેન્ડસેટ્સ સાથે 20 લાખ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ ટેલિકોમ વિભાગે ટેલિકોમ ઓપરેટર્સને સમગ્ર ભારતમાં 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ કનેક્શન્સને તાત્કાલિક ફરીથી વેરિફાઈ કરવા સૂચનાઓ આપી હતી. ટેલિકોમ વિભાગે કંપનીઓને પણ નિર્દેશ આપ્યો છે કે જો ફરીથી વેરિફાઇ કરવામાં નિષ્ફળ જાવ તો કનેક્શન કાપી દેવામાં આવે.ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે સાયબર ક્રાઈમના મામલામાં આવા પગલાં લીધાં છે. મંગળવારે ટેલિકોમ વિભાગે નાણાકીય કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા એક ફોન નંબરને ડિસ્કનેક્ટ કરી દીધો હતો અને તે નંબર સાથે જોડાયેલા 20 મોબાઇલ હેન્ડસેટને પણ બ્લોક કરી દીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500