બારડોલીમાં તેન રોડ પરથી મોપેડ પર પસાર થતા વકીલના ગળામાં પાછળથી આવેલા બે મોટર સાઈકલ સવાર શખ્સો સોનાની ચેન આંચકી ભાગવા જતા અચાનક નીચે પટકાયા હતા. બંને શખ્સો ભાગ્યા હતા. જે પૈકીના એક શખ્સને વકીલે પીછો કરી પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને ચોર પાસેથી ત્રણ સોનાની ચઈન, બે ફોન અને મોટર સાઈકલ મળી કુલ રૂપિયા 1.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બારડોલી તાલુકાના સ્ટેશન રોડ પર બંગ્લોઝમા રહેતા કુંજ વકીલ (ઉ.વ.37) વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જોકે સોમવારે રાત્રે મિત્ર સની પારેખ (રહે.ચિન્મય કોમ્પ્લેક્સ, શાસ્ત્રી રોડ) સાથે મોપેડ પર સ્ટેશન રોડ થઈ અલંકાર ચાર રસ્તા તરફ જતા હતા. તે સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ વકીલની બે તોલાની સોનાની ચેન આંચકી હતી. આ વેળા મોટર સાઈકલ એક બીજાને અડી જતા નીચે પટકાઈ હતી. બંને ભાગવા લાગ્યા હતા. એક હીરાચંદ નગર બાજુ ભાગી ગયો હતો જયારે બીજો ગલીમાં ભાગવા જતા કુંજ વકીલે તેને પકડી લીધો હતો.
લોકો એકત્રીત થતા પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવી પોલીસ મથકે લઈ ગઈ હતી. તેની પાસેથી 3 ફોન મળ્યા જે પૈકી એક ફોન તેનો પોતાનો અને બીજા બે રાહદારીઓ પાસેથી છીનવી લીધા હોવાની કબુલાત કરી હતી. તપાસમાં તેમની પાસેથી મળેલી ત્રણ પૈકી એક ચેઈન કુંજ વકીલની, બીજી દિલીપભાઈ શાહ અને બીજી ચેન કોશલ્યાબેન સહાનીની હોવાનું સામે આવ્યું હતું. બે ફોન પૈકી એક મીતલબેન શાહ અને બીજો જિગ્નેશકુમાર ટાંકનો હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા શખ્સે તેનું નામ સોપાન દેવા પાટીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સોપાનદેવની ધરપકડ કરી કરણ ઉર્ફે બગ્ગાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500