અમદાવાદનાં ઓઢવ ભવાની નગર ટેકરા ગજરા નગરમાં રહેતાં 22 વર્ષીય રાજ પરમારનાં પરિવારમાં માતા પિતા અને પત્ની સોનલ છે. જોકે રાજ તેના મિત્રો સાથે અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે ગતરોજ સાંજના સમયે રાજ અને તેના બે મિત્રો પ્રેમ શાસ્ત્રી અને વિશાલ સાથે ગાંધીનગર આવ્યો હતો. ત્યારબાદ ભાટ ટોલટેક્ષથી કરાઈ બ્રિજ તરફની સાબરમતી નદીમાં ત્રણેય મિત્રોએ ન્હાવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય નદી ઉપર આવ્યા હતા. જ્યાં રાજ, પ્રેમ અને વિશાલ નદીમાં ન્હાવા માટે ગયા હતા. બાદમાં પ્રેમ અને વિશાલ નદીનાં કિનારે આવીને બેસી ગયા હતા. ત્યારે પ્રેમે રાજને કહ્યું હતું કે, તું પણ બહાર આવી જા. આપણે ત્રણેય બેસીને હસી મજાક કરીએ.
જયારે રાજે એક બે ડૂબકી નદીમાં મારવાની ઈચ્છા વ્યક્ત કરતાં બંને મિત્રોએ જલ્દી બહાર આવી જવા માટે પણ તેને કહ્યું હતું. ત્યારે રાજ નાક પકડીને નદીમાં ડૂબકી મારવા લાગ્યો હતો. એક ડૂબકી માર્યા પછી રાજ બીજી ડૂબકી મારી હતી. પરંતુ આ વખતે રાજ પાણીની બહાર આવ્યો નહોતો. અમુક મિનિટો સુધી રાજ બહાર નહીં આવતાં કિનારે બેઠેલા પ્રેમ અને વિશાલે બૂમો પાડી હતી. છતાં રાજ બહાર નહીં આવતાં તેઓએ અડધો કલાક સુધી નદીમાં શોધખોળ આદરી હતી.
આખરે રાજનો ક્યાંય પત્તો નહીં લાગતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે સબ ફાયર ઓફિસર અને સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકોની ભારે જહેમત પછી રાજની લાશને બહાર કાઢી હતી જયારે પરિવારજનો પણ નદીએ દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500