મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર ટ્રક અડફેટે આવતાં બાઈક સવાર વાગદા ગામના બંને ભાઈ પૈકી નાનાભાઈનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું, જયારે મોટા ભાઈને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાગદા ગામનાં કંટોલ ફળિયામાં રહેતા ફતાભાઇ ચેમાભાઈ ગામીત (ઉ.વ.56)નાંઓ સોનગઢ નગર પાલિકામાં ઓપરેટર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ફતાભાઇ અને તેમનો નાનો ભાઈ દીવાનભાઈ ચેમાભાઈ ગામીત (ઉ.વ.52) બંને જણા રવિવારના રોજ દેવલીમાળી ગામે દર્શન કરવા માટે બાઈક નંબર GJ/26/B/6153 લઈને નીકળ્યા હતા.
તે દરમિયાન ડોસવાડા ગામ તરફ જતાં રોડ ઉપર સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 ઉપર સોનગઢથી વ્યારા જતાં રોડના કિનારે રોડ ક્રોસ કરવા માટે ઉભેલા હતા. તે સમયે વ્યારા તરફથી સોનગઢ તરફ જતાં રોડ ઉપરથી એક ટ્રક નંબર GJ/26/T/5335નાં ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જયારે આ અકસ્માતમાં બાઈક ચાલક દીવાનભાઈને શરીરે મૂઢ ઈજા પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું તેમજ બાઈકની પાછળ બેસેલ ફતાભાઇને માથાનાં ભાગે તથા ડાબા પગના પંજા ઉપર અને કમરના મણકાનાં ભાગે ફેક્ચર થયું હતું, જયારે આ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું ટ્રક સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ફતાભાઇ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application