તાપી જિલ્લાના બાગાયાત ખાતા અને ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટ, તથા ‘ગીર ફાઉન્ડેશન’ઇકો ક્લબના સંપુક્ત ઉપક્રમે વ્યારાના સ્ટેશન રોડ ખાતે ‘અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન અંગે સ્થાનિક બહેનો માટે એક દિવસીય તાલીમનું આયોજન જિલ્લા બાગાયત અધિકારીના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ તાલીમમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા બાગાયત અધિકારીએ ગૃહિણીઓને રસોઇની રાણી તરીકે બીરદાવી પરિવારને સ્વાસ્થ્યવર્ધક ભોજન આપવા ઘર આંગણે પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી ઉગાડવા પ્રરિત કર્યા હતા. આ સાથે તેમણે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે તથા આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ કરવા અંગે, કેચઅપ બનાવવાની તાલીમ, જ્યુસ અને જામ બનાવવાની તાલીમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકમાં કિચન ગાર્ડન, ફળફળાદી, શાકભાજી, ઔષધિય પાકોના ઉછેર કરવાની રીત, રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ, કુંડા પસંદ કરતી વખતે ધ્યાને રાખવાની બાબતો, કોમ્પોસ્ટપીટ, છોડની માવજત, હોમમેડ જંતુનાશક દવાના ઉપયોગ અંગે નાયબ બાગાયત અધિકારીશ્રી ધર્મિષ્ઠાબેન દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી સમજ કેળવવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય સેવિકા સમિતી નવસારી વિભાગ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપતા તમામ મહિલાઓને પોતાના હક માટે જાગૃત બનવા આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી બહેનોને બાગાયત વિભાગ દ્વારા તાલીમાર્થી તરીકેનું સર્ટીફિકેટ તથા શાકભાજીનાં રોપાનો છોડ અને ખાતરની કીટ એનાયત કરવામાં આવી હતી. આ તાલીમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી પોતાના ઘરે કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનીંગ કરવા સંકલ્પબ્ધ્ધ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500