વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગઈ છે. આગામી તારીખ 13મી સપ્ટેમ્બરથી યોજાનાર ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હવે તારીખ 12મી સપ્ટેમ્બરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને 13મી સપ્ટેમ્બરે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે.
તારીખ 12મી સપ્ટેમ્બરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને 13મી સપ્ટેમ્બરે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. રાષ્ટ્રપતિને ગુજરાત આવવા માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. આગામી 13મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. અગાઉ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, 'વન નેશન વન એપ્લિકેશન'ની ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે.
રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે. તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500