ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચાલી રહેલા હાથીપગાની દવાના 'સામૂહિક વિતરણ કાર્યક્રમ'ની મુલાકાત, રાજ્ય કક્ષાના નેશનલ વેક્ટર બોર્ન ડિસિઝના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા લેવામાં આવી હતી. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા વઘઈ તાલુકાના તમામે તમામ ૯૭ ગામોમાં લક્ષિત ૮૯ હજાર ૭૮૩ લોકોને, દવા ગળાવવાના ચાલી રહેલા કાર્યની જાત મુલાકાત લેતા, આરોગ્ય કર્મીઓ સહિત ગ્રામજનોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વઘઈ તાલુકાના અંતરિયાળ ગામોના દુર્ગમ વિસ્તારોમાં ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓ, પ્રત્યેક જન સુધી પહોંચી તેમને હાથીપગ઼ા વિરોધી ગોળી ગળાવી રહ્યા છે.
દરમિયાન ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ ડુંગરડા ગામે ચાલી રહેલી કામગીરીની જાત મુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય કર્મીઓએ વઘઈ તાલુકાના ઢાઢરા ગામે ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સ્થળ અને ઈંટનાં ભટ્ટાની પણ વિઝીટ કરી ત્યાંના શ્રમિકોને પણ ગોળી ગળાવી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચાલી રહેલી હાથીપગાની સામૂહિક દવા વિતરણની કામગીરીથી ગ્રામીણ પ્રજાજનોને અવગત કરાવવા માટે, સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જનજાગૃતિ અર્થે પોસ્ટર અને પત્રિકા તથા ફ્લેશ કાર્ડનું વિતરણ, બેનર્સ, ફ્લેક્ષ ડિસ્પ્લે, ભીંત ચિત્રો-સૂત્રો દ્વારા પણ જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે. લક્ષિત ગ્રામ પ્રજાજનો સુધી પહોંચવા માટે આશાથી લઈ આંગણવાડી કાર્યકર, FHW, MPHW, CHO, નર્સિંગ સ્ટાફ, RBSK ટીમ, તમામ તબીબો સહિત તાલુકા/ જિલ્લાના ઉચ્ચાધિકારીઓ કામે લાગ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500