Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલમાં ઓ.આર.એસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

  • July 26, 2024 

ઓરલ ડિહાઈડ્રેશન સોલ્યુશન અને સ્તનપાન (બ્રેસ્ટ ફીડિંગ)ના મહત્વને ઉજાગર કરવા અને લોકોને તેના વિશે જાગૃત કરવા દર વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહને ORS અને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે નવી સિવિલમાં બાળરોગ વિભાગ તથા ઇન્ડીયન પીડાયાટ્રીકસ એસો., સ્ટુડન્ડ નર્સિસ એસો.ના સંયુકત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે જીવન રક્ષક જળ (ઓ.આર.એસ) અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ વિદ્યાર્થીઓના પોસ્ટર એક્ઝિબિશનને મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના ડો.પ્રિન્સિપાલ ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, દર વર્ષે જુલાઇ મહિનાના છેલ્લા અઠવાડીયામાં ઓ.આર.એસ (જીવન રક્ષક દળ) અને સ્તનપાન (બેસ્ટ ફીડિંગ) એ છ મહિના સુધીના બાળકો માટે અમૃત સમાન બની શકે છે. છ મહિનાથી નાના બાળકોમાં ઝાડા-ઉલ્ટી થાય તો બાળકના શરીરમાંથી પાણી, જરૂરી ખનીજ દ્રવ્ય, સોડીયમ પોટેશિયમ ઝાડા વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેથી બાળકોને ડિહાઇડ્રેશન થવાનું જોખમ વધી જાય છે, અને બાળમૃત્યુ પણ થવાની શક્યતા વધે છે. આવા સમયે ઓ.આર.એસ (ORS) પીવડાવવાથી ડિહાઇડ્રેશનની ગંભીર તકલીફ નિવારી શકાય છે.


નવજાત શિશુના સર્વાંગી વિકાસ અને આરોગ્ય માટે માતાનું દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે બાળકના જન્મ પછી છ મહિના સુધી બાળકની તમામ આહાર જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ અવસરે તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં દાખલ થતા તમામ બાળકો ઝડપથી તંદુરસ્ત થાય તેવો ઉદ્દેશ છે. આ સાથે સમાજમાં જન-જાગૃતિ અભિયાન થકી બાળકો અને માતાઓ તંદુરસ્ત રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે પરિશ્રમના પ્રતીકોમાંની એક નર્સ છે.


ઉત્કૃષ્ટ તબીબી સારવાર સાથે સમકાલીન ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને કરૂણામય નર્સિંગ થકી સમાજના આરોગ્ય સુખાકારીમાં સકારાત્મક સુધાર કરવાના ઉદ્દેશથી દરેક પરિસ્થિતિમાં પોતાની સેવાપૂર્તિમાં નર્સિંગ સ્ટાફ સમર્પિત હોય છે. તબીબી સારવારમાં નર્સિંસનો રોલ અનોખો છે. નર્સિંગ વિદ્યાર્થીઓએ ઓઆરએસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણીના અવસરે જન-જાગૃતિનું નુક્કડ નાટક ભજવ્યું હતું. નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટરોમાંથી સૌથી શ્રેષ્ટ પોસ્ટર બનાવનારને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરમ કરવામાં આવ્યું હતું.


ઝાડા-ઉલટીની બીમારીથી બચવાના ઉપાયો: બાળકને પ્રથમ છ માસ ફક્ત સ્તનપાન કરાવવું. બોટલથી દૂધ આપવું નહીં. પાણી ઉકાળીને અથવા ફિલ્ટર પાણી વાપરવું. બહારના ખુલ્લા તથા વાસી ખોરાક ખાવા નહીં. સામાન્ય સ્વચ્છતા ખૂબ જરૂરી છે, જેમ કે, જમતા પહેલા સાબુ વડે હાથ ધોવા, શૌચક્રિયા પછી વ્યવસ્થિત સાબુ વડે હાથ ધોવા વગેરે. રોટા વાઇરસ વિરોધી રસી જરૂરથી અપાવવી જોઈએ બાળકને સ્તનપાન કરાવવું અત્યંત ફાયદાકારક માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે, તે બાળકને ઘણી બિમારી ઓથી બચાવામાં સક્ષમ હોય છે. માતાના દૂધમાં ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન, એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ઝાઇમ અને મિનરલ્સ વગેરે મળી આવે છે. સૌથી વધુ પોષક તત્વો માતાના દૂધમાં હોય છે અને તે સરળતાથી બાળકને પચી જાય છે. સ્તનપાનથી બાળકનું આઈક્યુ લેવલ વધે છે. તે મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે. માતાનું દૂધ બાળકના મનને તેજ બનાવવામાં મદદ કરે છે.


સ્તનપાન અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો: સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે માતાએ પોતાના હાથ સાબુથી ધોઈને સ્વચ્છ કરવા આવશ્યક છે. દર વખતે સ્તન અને ડીંટડી પણ બરાબર સ્વચ્છ કરવાં જોઈએ. ઘણી માતાઓ પથારીમાં સૂતાં સૂતાં બાળકને સ્તનપાન કરાવે છે. આ આદત અત્યંત જોખમી છે. જો થાકના કારણે માતાને ઊંઘ આવી જાય તો કોમળ બાળક સ્તનની નીચે દબાઈને ગૂંગળાઈ જશે અને એનો શ્વાસ રુંધાઈ જશે. આવું બનવાથી બાળકનું મૃત્યુ થવાનાં ઉદાહરણો લગભગ બધા ડોક્ટરોએ જોયાં જ છે. રાત્રે સ્તનપાન કરાવવાની જરૂર પડે તો પણ માતાએ બેસીને પછી જ બાળકનું પેટ ભરાવવું જોઈએ.


જો માતા સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે થોડુંક પ્રવાહી લે (પાણી,ફળોનો રસ કે દૂધ) તો ધાવણનું પ્રમાણ વધે છે. સ્તનપાન કરાવતી માતાને ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહીની જરૂર પડે છે. દરેક માતાનું પૂરે પૂરુ ધ્યાન સ્તનપાન કરાવતી વખતે એના બાળકમાં જ હોવું જોઈએ. સ્તનપાન કરાવી રહ્યાં હોય ત્યારે ચોપડી વાંચવી, ટીવી જોવું કે મોબાઇલ ફોન પર વાતો કરવી એ હિતાવહ નથી. આવું કરવાથી બાળકનું મોં અને નાક દબાઈ જવાથી, શ્વાસ રુંધાઈ જવાથી અઘટિત અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. દરેક વખતે સ્તનપાન કરાવ્યા બાદ માતાએ બાળકને એના ખભા પર પાંચ-દસ મિનિટ સુધી ઊભું રાખીને હળવેથી એની પીઠ થપથપાવવી જોઈએ. બાળક એકાદ ઓડકાર ખાય પછી જ એને સુવડાવવું જોઈએ. આવું કરવાથી બાળકને ઊલટી નહીં થાય.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application