કારમાં મુસાફરી કરતા સમયે સુરક્ષાના ભાગરૂપે સીટ બેલ્ટ પહેરવું જોઈએ. જો કે, કેટલાક લોકો કારમાં સીટ બેલ્ટ પહેરતા નથી. આ સાથે જ ઘણા પેસેન્જર પણ સીટ બેલ્ટ પહેરતા નથી. ત્યારે હવે પાછળની સીટ પર બેઠેલા પેસેન્જરે સીટ બેલ્ટ નહીં પહેર્યો હશે તો ટૂંક સમયમાં કારમાં એલાર્મ વાગશે.સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ, 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં ‘રીઅર સીટ બેલ્ટ એલાર્મ’ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કારમાં સીટ બેલ્ટ એલાર્મ એક આવશ્યક સેફ્ટી ફીચર છે. આ સેફ્ટી ફીચર કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી.
એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, નોટિફિકેશન ફક્ત રીઅર સીટ બેલ્ટના એલાર્મ માટે છે, આ સિવાય અન્ય કોઈ નવી જોગવાઈ કરવામાં આવી નથી. હાલમાં, ડ્રાઇવર અને આગળની સીટના મુસાફરો માટે ઇન-બિલ્ટ સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ ફરજિયાત છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR)ના નિયમ 138 (3) હેઠળ સીટ બેલ્ટ ન પહેરનાર પાછળ બેઠેલા મુસાફર પાસેથી 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500