Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ SMC એ દમણના બારમાંથી દબોચી લીધો

  • April 01, 2024 

ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ દ્વારા બે બુટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસીકાંડમાં સાંડોવાયેલા મધ્યગુજરાતના કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ SMC એ દમણના બારમાંથી દબોચી લીધો છે. આચારસંહિતાનું જાહેરનામું બહાર પડતાં ગુજરાત તથા આંતરરાજ્યોના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, આર.બી.બ્રહ્મભટ્ટની સ્ટેટ મોનીટરીંગ સેલની સુચના આધારે SP નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ DYSP કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ નાસતા - ફરતા આરોપીઓ પકડવા સક્રિય થઈ હતી.


વર્ષ 2023 માં ભરૂચ જિલ્લાની એલ.સી.બી. શાખાના બે પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશન લઈને દારૂની ગેરકાયદેસર લાઈન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયસ્થને લોકેશન આપતા હતાં. જેઓએ બન્ને બુટલેગરોને SMC ના અધિકારીઓ સહિત અન્યના 2891 વખત લોકેશન શેર કર્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે LCB ના બન્ને કોન્સ્ટેબલ સાથે નામચીન બોબડો અને ચકા સામે આ ગંભીર કેસમાં ગુનો દાખલ થયો હતો. ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં ભરૂચનો બુટલેગર ફેબ્રુઆરીમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવા હતા. હાલ નયન બોબડો જેલમાં છે.


બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાતે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો છે. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂધ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના 27 થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. જે પૈકી 6 ગુનાઓમાં તે છેલ્લા બે વર્ષથી નાસતો- ફરતો હતો. SMC એ સુરત શહેરના 3 ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ નાની દમણના કેશવ ઉર્ફે ગોપાલ બંગાળી રાઉલને પણ સાંઈ અમર બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી પકડી લીધો હતો. વધુમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડયાના 14 દિવસમાં SMC એ ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારના 24 નાસતા - ફરતા આરોપીઓને હસ્તગત કરી લીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application