દેશનાં ઉત્તર ભારતમાં ઠંડી વધી છે. જેમાં પંજાબ અને હરિયાણા કોલ્ડવેવ એલર્ટ જારી કરાયો છે. તો હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની આગાહી છે. યુપી, એમપી, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. દિલ્હીમાં ઠંડી-ગરમીનું વિચિત્ર વાતાવરણ રહ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. પાટનગર દિલ્હીમાં ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. રાતે ઠંડી વધી હતી, તો દિવસે તાપમાનનો મહત્તમ પારો 23 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સામાન્ય રીતે ડિસેમ્બરના આ દિવસોમાં તાપમાન 7થી 8 ડિગ્રી રહેતું હોય છે.
તેના બદલે આ મહિનામાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ દિવસે તૂટયો હતો. બીજી તરફ રાત થતાં ઠંડી વધી હતી. તો ગાઢ ઘુમ્મસના કારણેય પરેશાનીનો સામનો કરવો પડયો હતો. પાટનગરમાં તો ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. પરિણામે દિલ્હી આવતી 8 ફ્લાઈટ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. દિલ્હી ઉપરાંત પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસથી જનજીવનને વ્યાપક અસર થઈ હતી. મધ્યપ્રદેશના કેટલાય જિલ્લાઓમાં ધુમ્મસની શક્યતા હોવાથી લોકોને એલર્ટ કરાયા હતા.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ ઉપરાંત તમિલનાડુમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાતાવરણ ઝડપભેર બદલાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઘણાં રાજ્યોમાં તીવ્ર ઠંડીના આસાર છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્વિમ અને મધ્યભારતમાં વરસાદની પણ શક્યતા છે. 30 ડિસેમ્બરથી તાપમાનમાં પલટો આવશે. જમ્મુ-કાશ્મીરમાં રાતના તાપમાનમાં ઘટાડો થયો હતો. શ્રીનગરમાં રાત્રે તાપમાનનો પારો માઈનસ 2.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. પહેલગામનું તાપમાન આગલી રાતે માઈનસ 3.9 ડિગ્રી રહ્યું હતું, જે વધુ ઘટયું હતું અને માઈનસ 4.3 નોંધાયું હતું. પહલગામ કાશ્મીર ઘાટીનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500