ઉત્તરાખંડમાં વાંદરાઓને ઝેર આપી મારી નાખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના, ઉધમ સિંહ નગર જિલ્લાનાં કાશીપુરનાં બાઝપુર રોડ પર આવેલા કેરીનાં બગીચામાંથી બે ડઝનથી વધુ વાંદરાઓના શબ મળ્યા બાદ પોલીસે ઝેર આપનારા નવ આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તરાખંડ પોલીસે બાગની જાળવણીમાં સામેલ નવ વ્યકિતઓને ઝડપી લીધા છે. તેમની પર આરોપ છે કે, વાંદરાઓના મૃત્યુમાં તેમની સંડોવણી હતી. જાન મુહમ્મદ અને ઈમામુદ્દીન નામનાં બગીચાનાં કોન્ટ્રાક્ટરો અને તેમના કર્મચારીઓ છોટે ખાન, ઈમરાન, અફઝલ, અનવર, ઈકરાર શાહ, નદીમ અને મુબારક ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના રહેવાસી હોવાનું માલૂમ પડયું છે.
આ ઘટના રવિવારે લોકો સમક્ષ આવી હતી, જ્યારે આ વિસ્તારના રહેવાસીઓ પોતાના પ્રાણીઓ માટે બગીચામાંથી ઘાસ લેવા પહોંચ્યા હતાં. નજરે જોનારાએ પોલીસને જણાવ્યુંકે, એક બાળ વાનર પોતાની મૃત માતાને ભેટી રહ્યો હતો. જ્યારે, તેની આજુબાજુ બીજા વાનરોના મૃતદેહો હતાં. ઘટનાની જાણ થયા બાદ પોલીસે ઝાડીઓમાં છુપાયેલા શબને બહાર કાઢયા હતાં અને તેમને જમીનમાં દફનાવ્યા હતાં. પોલીસની પૂછપરછ બાદ આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, તેમણે બગીચામાં રહેલા ફળોને નુકસાન પહોંચવાની ભીતિએ વાંદરાઓને ઝેર આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500