Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીપલોદ અને સચિન પોલીસ લાઈન ખાતે રૂ.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત કક્ષા બી-૧૯૨ પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું

  • March 06, 2023 

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા કુલ રૂ.૩૨ કરોડના ખર્ચે સુરત શહેરના ગોલીબાર પોલીસ લાઈન (પીપલોદ) ખાતે કક્ષા બી-૧૯૨ (G+૧૨) તથા સચિન પોલીસ લાઈન ખાતે કક્ષા બી-૩૨ (G+૦૮) નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે આ વેળાએ લોનમેળા અંતર્ગત શેષ લાભાર્થીઓને લોનના ચેકો અને શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓને બહુમાન કરી પ્રશંસાપત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

                   

 પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે. ૧૨ માળના ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિંગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

                   

 આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા કોન્સ્ટેબલોના જીવનમાં નવી ઉર્જા આવે તેવા આશયથી આધુનિક સુવિધાયુક્ત આવાસોનું નિર્માણ કર્યું છે. પોલીસ વિભાગની દોડધામભરી કામગીરી બાદ ઘરે આવીને અહીં શાંતિનો અહેસાસ થશે. પોલીસ ક્વાર્ટર્સસમાં સ્વચ્છતા અને સુમેળભર્યા માહોલમાં રહી પોલીસકર્મીઓમાં પરસ્પર પરિવારભાવના વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

                    

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ગંભીર ગુનાઓ બનતા અટકાવવામાં સુરત પોલીસે શ્રેષ્ઠત્તમ કામગીરી કરી છે. વર્ષોથી નાસતા-ફરતા આરોપીઓને પકડવામાં અને પરિવારથી વિખૂટા પડેલા ભૂલકાઓને શોધીને પરિવાર સાથે ફરી મિલન કરાવવાની ઝુંબેશ ગુજરાત પોલીસે ઉપાડી છે. સુરત શહેર પોલીસે જનઅભિયાન થકી વ્યાજખોરો દ્વારા આચરવામાં આવતી ધીરધારની ગેરકાયદે પ્રવૃત્તિ અને એનાથી સર્જાતા વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અપાવી છે.

                    

૧૦૦ નંબર ડાયલ કરીને લોન મળશે એવું લોકોએ સપનેય વિચાર્યું નહોતું. ૧૦૦ નંબર ડાયલ કરીને લોકો લોન મેળવે એવી સુચારૂ વ્યવસ્થા ઉભી કરી જરૂરિયાતમંદ સેંકડો લાભાર્થીઓને લોન આપવામાં સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

                   

 પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગની અગત્યની ભૂમિકા છે. ગુનેગારો પકડવામાં પોતાના જીવન પરવાહ પણ ઝાંબાઝ પોલીસને હોતી નથી. વ્યાવહારિક જીવનમાં પોલીસ, પત્રકાર અને પોલિટીશ્યન આ ત્રણે વ્યક્તિઓ જાગૃત હોય છે, ત્યારે સમાજનો સુવર્ણકાળ અને સભ્ય સમાજનું નિર્માણ થાય છે. પોલીસ કર્મચારીઓ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થામાં ૧૦૦ ટકા લોન મળે અને પોતાનું ઘર બનાવી શકે તે બાબતે ગૃહરાજ્યમંત્રી કાર્ય કરી રહ્યા છે.

                    

આ અવસરે વિવિધ ગુનાઓના ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડનાર સુરત શહેર ક્રાઈમ બ્રાંચ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગણપતિ મહોત્સવ-૨૦૨૨માં શિસ્ત અને કાયદો વ્યવસ્થાને જાળવી ઉજવણી કરનાર મંડળને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application