Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવનિયુક્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે વડાપ્રધાન પદના શપથ લીધા

  • June 10, 2024 

'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લઉં છું કે...'આમ કહીને રાષ્ટ્રપતિ ભવનમાં રવિવારે સાંજે 7.15 કલાકે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લેવાની સાથે દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુના વિક્રમની બરાબરી કરી હતી. મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોદી 3.0 સરકારમાં સૌથી દળદાર મંત્રાલયના ભાગરૂપે 72 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. વર્ષ 2014થી સતત બે વખત જંગી બહુમતીથી સરકાર બનાવ્યા પછી ભાજપ 18મી લોકસભામાં સાથી પક્ષોની મદદથી સરકાર બનાવી રહ્યો છે ત્યારે નવા મંત્રીમંડળમાં ટીડીપી અને જેડીયુના એક-એક મંત્રીને કેબિનેટમાં સ્થાન અપાયું છે જ્યારે અજિત પવારના એનસીપીને સ્થાન ના મળતાં તેણે મંત્રીમંડળમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.


પીએમ મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન અને સુબ્રમણ્યમ જયશંકરે પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ બધા જ મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં મોદી 2.0માં પણ કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા હતા. વાદળી જેકેટ સાથે સફેદ કુર્તા અને ચુડિદારમાં સજ્જ 73 વર્ષીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાનના નામે શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં પીએમ મોદી સહિત 31 કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભારવાળા પાંચ રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી સહિત કુલ 72 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રવિવારે શપથ લેનારા આ મંત્રીઓમાં 11 એનડીએના સાથી પક્ષોના નેતાઓએ પણ શપથ લીધા હતા.


જોકે, મહારાષ્ટ્રમાં અજિત પવારના એનસીપીને કેબિનેટમાં સ્થાન ના મળતાં તેણે મંત્રીમંડળમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. અજિત પવારે કહ્યું હતું કે, તેમને કેબિનેટ મંત્રીથી ઓછું કશું નહીં ખપે. મોદી 3.0ની ટીમમાં 24 રાજ્યોમાંથી મંત્રીઓનો સમાવેશ કરાયો છે. વધુમાં નવા મંત્રીમંડળમાં બધા જ સામાજિક જૂથોને પ્રતિનિધિત્વ આપવા પર ધ્યાન અપાયું છે, જેમાં 27 ઓબીસી, 21 સવર્ણ, 10 અનુસૂચિત જાતિ (એસસી), પાંચ અનુસૂચિત જનજાતી (એસટી), પાંચ લઘુમતીઓનો સમાવેશ થાય છે.


રાજ્યોની દૃષ્ટિએ જોઈએ તો નવા મંત્રીમંડળમાં ભાજપને સૌથી મોટો ફટકો પડયો હતો તે ઉત્તર પ્રદેશના સૌથી વધુ 10, બિહારના 8, ગુજરાતના 6, છ મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્રના 6, ભાજપને ક્લિન સ્વિપ અપાવનારા મધ્ય પ્રદેશના 6, કર્ણાટકના 5, રાજસ્થાનના 4, હરિયાણા, ઓડિશા અને આંધ્ર પ્રદેશના 3-3, અસમ, ઝારખંડ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, કેરળના 2-2 તથા પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, જમ્મુ-કાશ્મીર, અરૂણાચલ પ્રદેશના 1-1 નેતાઓને સ્થાન અપાયું છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં સાત મહિલાઓને સ્થાન અપાયું છે. નવા મંત્રીમંડળમાં 43 મંત્રીઓ સંસદમાં ત્રીજી વખત તેમનો કાર્યકાળ પૂરો કરશે અથવા તેનાથી વધુ સમય સુધી મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.


બીજીબાજુ 39 મંત્રી એસ. જયશંકર, મોદી 2.0માં પણ ભારત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મોદી 3.0 કેબિનેટમાં અનેક પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરાયો છે, જેમાં મધ્ય પ્રદેશમાંથી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટરનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળમાં સૌથી નાની વયના મંત્રીનું સ્થાન ટીડીપીના 36 વર્ષના રામમોહન નાયડુએ મેળવ્યું છે જ્યારે સૌથી વૃદ્ધ મંત્રી બિહારના હમના પ્રમુખ 78 વર્ષીય જિતનરામ માંઝી છે. આ મંત્રીમંડળમાં 33 એવા ચહેરા છે, જેઓ પહેલી વખત મંત્રી બની રહ્યા છે. વર્ષ 2014માં પહેલી વખત ભાજપની સરકાર બન્યા પછી આ વખતે 72 મંત્રીઓ સાથે ભાજપના નેતૃત્વમાં એનડીએનું સૌથી મોટું મંત્રીમંડળ બની રહ્યું છે. વર્ષ 2019માં જંગી બહુમતીથી જીતવા છતાં ભાજપે 58 સભ્યોનું મંત્રીમંડળ બનાવ્યું હતું જ્યારે 2014માં એનડીએના મંત્રીમંડળની સભ્ય સંખ્યા 46 હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application