નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના વંકાલ ગ્રામ પંચાયત કચેરીના મકાનના સ્લેબમાંથી સાંજના સમયે અચાનક પ્લાસ્ટરનો મોટો પોપડો ખરી પડ્યો હતો. આ સમયે ત્યાં હાજર કોમ્પ્યુટર ઓપરેટરને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોમાસામાં ગ્રામ પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં પાણી ટપકતા સરપંચ, તલાટી ઉપરાંત સ્થાનિકોને ભારે હાલાકી વેઠવા પડી રહી હતી. હાલ ચોમાસા પૂર્વે જ સ્લેબના પ્લાસ્ટરના પોપડા ખરી પડ્યા છે. ત્યારે આવનાર ચોમાસામાં વધુ બદતર હાલત થશે. અગાઉ તો ચોમાસામાં પાણી ટપકવાના કારણે રેકોર્ડ દસ્તાવેજોને પણ નુકશાન થવા પામ્યું હતું.
જોકે, ઉપરોક્ત સ્થિતિમાં પૂર્વ સરપંચ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનોની રજુઆતને પગલે નવા પંચાયત ઘરના મકાનના બાંધકામ માટેની મંજૂરી મળતા ગત વર્ષે તત્કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા ખાતમુહૂર્ત કરાતા બાંધકામ શરૂ થયું હતું અને પ્લીથ લેવલ સુધીનું બાંધકામ પણ થઈ ગયું હતું. પરંતુ, આ બાંધકામ તળાવની જગ્યામાં થઈ રહ્યું હોવાની રજુઆત સ્થાનિક આગેવાનો દ્વારા કરાતા તપાસ બાદ ગત મે-માસમાં જ કામ તંત્ર દ્વારા અટકાવી દેવાયું હતું.
ઉપરોક્ત સ્થિતિમાં આવનાર ચોમાસામાં હાલત વધુ કફોડી થશે. વંકાલ ગામ મોટું હોવાની સાથે નાના-મોટા કામો માટે અરજદારોની અવર-જવર પણ મોટાપાયે રહેતી હોય છે. ત્યારે ચોમાસામાં કચેરીમાં પાણી ટપકવાથી કોમ્યુટર જેવા ઉપકરણોને નુકશાન થવાની સાથે ત્યાં કામ કરનારા અને અરજદારોનું સ્વાસ્થ્ય પણ જોખમાય અને દસ્તાવેજોને પણ નુકશાન થવાની સ્થિતિ સર્જાશે.
વંકાલ ગામના પૂર્વ સરપંચ દીપકભાઈ પટેલના જણાવ્યાનુસાર, ગ્રામ પંચાયત કચેરીમાં ચોમાસામાં ખૂબ જ પાણી ટપકે છે અને ઘણીવાર એક ફૂટ જેટલું પાણી ભરાય જાય છે. નવા મકાનનું બાંધકામ શરૂ કરાયું હતું. પરંતુ જમીન બાબતે કેટલાક લોકો દ્વારા રજુઆત થતા કામ અટકી ગયું હતું. ગ્રામ પંચાયત પાસે અન્યત્ર જમીન ઉપલબ્ધ ન હોવાથી જ્યાં જમીન હતી. ત્યાં બાંધકામ કરાઈ રહ્યું હતું. પરંતુ વિકાસના કામમાં વિવાદ ઉભો કરીને કામ બંધ કરાવી દીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500