બીલીમોરામાં રહેતી એક યુવતીએ પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેની સગાઈ ગત ઓગસ્ટ-2021માં શેહજાદ પઠાણ (ઉ.વ. 30, રહે.અંકલેશ્વર) નાની સાથે થઈ હતી. જોકે આ શેહજાદ પઠાણ કોઈ કામધંધો કરતો નહીં હોય અને તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાનું તેણીના પરિવારને જાણ થતા યુવતીએ જાન્યુઆરી-2022માં શેહજાદ સાથેની સગાઈ તોડી નાંખી હતી.
જયારે સગાઈ તૂટ્યા બાદ શેહજાદે યુવતીનો યેનકેન પ્રકારે પીછો ચાલુ રાખ્યો હતો અને તેની બહેનપણીઓને મળી તેની માહિતી મેળવવા લાગ્યો હોવાના આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કરી હતી. જોકે ત્યારબાદ શેહજાદ યુવતીનો ફોન ચેક કરવા માંગતો હતો અને કેમ લગ્ન કરવા નથી માંગતી એ જાણવા માંગતો હતો.
વધુમાં યુવતી નવસારીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હોય ત્યારે ગત તા.27મી મેના રોજ તેના નિત્યક્રમ અનુસાર સાંજે બસ ડેપો પાસેથી ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે ગૌહરબાગ ગૌરવપથ ઉપર સાગર ફોટો સ્ટુડિઓ પાસે પહોંચી હતી અને અચાનક શેહજાદ આવી ચડ્યો હતો અને તેણીને ખેંચીને ગલીમાં લઈ જઈ લગ્ન કરવાની કેમ ના પાડે છે? એમ કહી યુવતી પર લગ્ન કરવા દબાણ કર્યું હતું.
જોકે યુવતીએ પ્રતિકાર કરતાં શેહજાદે યુવતીને મારમારી જમીન પર પાડી દઈ ધમકાવી તેની પાસેથી મોબાઈલ અને પર્સ ઝૂંટવી લીધા હતાં અને પેટમાં ચપ્પુ મારી જંગલમાં ફેંકી દેવાની ધમકી આપી ચુપચાપ રહેવાનું કહી તેણીને રિક્ષામાં બેસાડી મોકલી આપી હતી અને તે નાસી ગયો હતો. યુવતીએ ઘરે પહોંચી પરિવારને આખી ઘટના જણાવતા પરિવારે આ બાબતે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500