Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો: સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ કરી હત્યા

  • January 15, 2025 

અમદાવાદમાંથી એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી પરત આવેલાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મૃત્યુ જેવી દેખાતી આ હત્યાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.


શું હતી સમગ્ર ઘટના? : અમદાવાદના વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં 13 જાન્યુઆરીએ પોતાના જ ઘરમાંથી કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કનૈયાલાલની પત્ની વર્ષા ભાવસાર જ્યારે ઘરે આવી ત્યારે તેઓને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ પર કોઈ નિશાન ન દેખાતા તેને કુદરતી મૃત્યુ માની લેવામાં આવ્યું હતું. જોકે, કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ હોવાનું ધ્યાને આવતા પત્નીને શંકા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.


આ મામલે વધુ તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે, જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે કનૈયાલાલ ભાવસાર ઘરે એકલા હતાં. બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે એક મહિલા સિક્યોરિટી ઓફિસમાં એન્ટ્રી કર્યા વિના જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ અજાણી મહિલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી. વધુ તપાસ કરતાં જાણ થઈ કે, ઘરમાંથી અનેક કિંમતી ઘરેણા અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ હતી. બાદમાં, પોલીસે શંકાસ્પદ મહિલા અને તેની સાથીની ધરપકડ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન સામે આવ્યું કે, કેનેડાના કાયમી નિવાસી કનૈયાલાલ ભાવસાર વારંવાર અમદાવાદ આવતા હતાં. જ્યાં તેઓ એક સ્પામાં જતાં. આ સ્પામાં તેમની મુલાકાત હીના નામની યુવતી સાથે થઈ હતી. લગભગ 18 મહિના મહિલા પહેલાં હીના કનૈયાલાલના સંપર્કમાં આવી હતી. બાદમાં જ્યારે પણ કનૈયાલાલ ભાવસાર અમદાવાદ આવતા ત્યારે હીના તેમને ઘરે મળવા જતી. જોકે, હીનાને જાણ થઈ કે, કનૈયાલાલ એનઆરઆઈ છે અને તેમની પાસે કિંમતી વસ્તુઓ છે તો તેણે લાલચમાં આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.


આ લૂંટની યોજનામાં હીનાએ આનંદ નામના વ્યક્તિને સાથે રાખ્યો હતો. કનૈયાલાલ અમદાવાદ આવ્યા એવી માહિતી મળતાં જે તેણે લૂંટની યોજના બનાવી. તે કનૈયાલાલને તેમના ઘરે મળવા ગઈ અને જેવી તક મળી કે, તેમને બેભાન કરી દીધાં. બાદમાં કોઈને ધ્યાને ન આવે તેમ આનંદને ઘરમાં પ્રવેશ કરાવી ઘરની તમામ કિંમતી વસ્તુઓ ચોરી કરી રહ્યા હતાં. જોકે, આ દરમિયાન કનૈયાલાલને આંશિક રીતે ભાનમાં આવતા હીનાની યોજના નિષ્ફળ થઈ રહી હતી. ત્યારે હીનાએ ગભરાઈને કનૈયાલાલ ભાવસારનું ગળુ દબાવી તેમની હત્યા કરી ચોરેલી વસ્તુ ત્યાંથી લઈને ભાગી ગયાં.



પોલીસે આપેલી માહિતી અનુસાર, બંને આરોપી રિલીફ રોડ વિસ્તારમાં ચોરેલા મોબાઈલ ફોનને વેચવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતાં. સીસીટીવી ફૂટેજ દ્વારા બંને આરોપીઓને શોધવામાં મદદ મળી હતી. અમે ફ્લાઇટ ટિકિટ પણ શોધી કાઢી હતી જેના પરથી સામે આવ્યું કે, બંનેની મુંબઈ ભાગી જવાની યોજના છે. બંને આરોપી હાલ કસ્ટડીમાં છે અને આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application