સુરત પાલિકાના ઉધના ઝોનમાં પિયુષ પોઈન્ટ સર્કલથી હેગડેવાર ખાડી બ્રિજ તેમજ હેગડેવાર ખાડી બ્રિજથી પિયુષ પોઈન્ટ સર્કલ સુધીના રસ્તાને લાગુ દુકાનદારો દ્વારા દુકાનની બહારના ભાગે રસ્તા પૈકીની જગ્યામાં દબાણ કરી ન્યુસન્સ ઉભુ કરતા હોવાથી પાલિકાએ 22 દુકાનો સીલ કરી દીધી છે. આ પહેલાં પાલિકાના કતારગામ ઝોન દ્વારા દુકાન બહાર દબાણ થતું હોય તેવી 70થી વધુ દુકાનો સીલ કરી દીધી છે. ઉધના-કતારગામની જેમ અન્ય ઝોનમાં પણ દબાણ કરનાર દુકાનો સામે કામગીરી કરવા માંગ ઉઠી રહી છે. જોકે, ઉધના કતારગામ જેવી કાર્યવાહી કરવામાં આવે તો સુરતના કેટલાક વિસ્તારમાં 90 ટકાથી વધુ દુકાનો સીલ કરવી પડે તેમ છે. સુરત પાલિકાના ઉધાન અને કતારગામ વિસ્તારમાં દુકાન બહાર દબાણ થાય તેવી દુકાનો સામે કાર્યવાહી થતાં આ વિસ્તારમાં દબાણની સમસ્યા હળવી થઈ હતી.
પરંતુ ત્યાર બાદ પાલિકાએ ફરી શાહમૃગ નીતિ અપનાવી હોવાથી સમસ્યા યથાવત જોવા મળી રહી છે. સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ચૌટા બજાર વિસ્તાર દબાણ માટે સૌથી વધુ કુખ્યાત છે. આ વિસ્તારમા દબાણ માટે માથા ભારે દબાણ કરનાર સાથે દુકાનદારો પણ જવાબદાર છે. દુકાનદારો દબાણ કરનારા પાસે તગડું ભાડુ વસુલે છે અને પાલિકાનો ફુટપાથ અને રોડ ભાડે આપી દબાણ કરાવી રહ્યા છે. આ દુકાનદારો દબાણ કરનારાઓને માલ મુકવા માટે જગ્યા આપે છે એટલું જ નહીં પરંતુ ગેરકાયદે વીજ જોડાણ પણ આપે છે. ચૌટા બજારમાં નાનકડી છાબડીવાળાથી માંડીને લારીવાળાઓ પાસેથી મોટી રકમ દુકાનદારો વસુલ કરે છે. ચૌટા બજારની જેમ જ વરાછાના બરોડા પ્રિસ્ટેજ, કમાલ ગલી, ઝાંપા બજાર, રાંદેર બસ સ્ટેન્ડ, બરોડા પ્રિસ્ટેજ સહિત અનેક એવા વિસ્તાર છે.
જ્યાં દુકાનદારો મોટું ભાડુ વસૂલીને પાલિકાની જગ્યા ભાડે આપી દબાણ કરાવી રહ્યાં છે. જેવી રીતે પાલિકાએ કતારગામ ઝોનમાં દબાણ કરવાનારા દુકાનદારો સામે કામગીરી કરીને સીલીંગની કામગીરી કરી છે તેવી જ રીતે આ વિસ્તારમાં દબાણ કરતી દુકાનો સામે સીલીંગની કામગીરી કરવામાં આવે તો 95 ટકા જેટલી દુકાનો બંધ કરવી પડે તેમ છે. પરંતુ જો આ રીતે કામગીરી કરવામાં આવે તો આ વિસ્તારમાં પણ દબાણની સમસ્યા દુર થઈ શકે તેમ છે. આ વિસ્તારમાં દુકાનદારો દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપે છે તેથી દબાણની સમસ્યા થઈ રહી છે જો પાલિકા તંત્ર કડકાઈથી કામગીરી કરે તો દબાણની સમસ્યામાં રાહત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500