વર્ષ-2023નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ કરીને તારીખ 29 જૂને તો મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી, મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ, ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. જોકે તારીખ ૩૦ જૂને હવામાન ખાતાએ મુંબઇમાં ભારેથી અતિ ભારે વર્ષા (ઓરેન્જ એલર્ટ)ની આગાહી આપી હતી. પશ્ચિમનાં પરાંમાં અને પૂર્વનાં પરાંમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બીજીબાજુ મહારાષ્ટ્રનાં પેણ-169 મિ.મિ., ઉરણ-150, વિક્રમગઢ-130, ભીવંડી-110, કર્જત-80, વસઇ-70, પનવેલ-70 મિ.મિ. વર્ષા થઇ હોવાની માહિતી મળે છે. હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે, મુંબઇમાં હજી આવતા 24 કલાક દરમિયાન અને 4, જુલાઇએ ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો સર્જાયા છે.
તારીખ 1થી 4 જૂને થાણે, પાલઘરમા, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં શ્રીકાર વર્ષા (યલો-ઓરેન્જ એલર્ટ)થાય તેવી શક્યતા છે. આવતા ચાર દિવસ (૧થી ૪ જુલાઇ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદ(યલો એલર્ટ) વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણી મરાઠવાડામાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. જોકે આવતા ચાર દિવસ દરમિયાન મરાઠવાડામાં મધ્યમ વર્ષા થવાની શક્યતા છે. હવામાન ખાતાનાં અધિકારીએ એવી માહિતી આપી હતી કે, 2023ની 24થી 29 જુલાઇ દરમિયાન મુંબઇમાં કુલ 95 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા 6 દિવસ દરમિયાન મુંબઇમાં મધ્યમથી મુશળધાર વરસાદ વરસ્યો હોવા છતાં જૂનના સરેરાશ વરસાદની સરખામણીએ શહેરમાં ઓછી વર્ષા થઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500