મુંબઈ પોલીસે એક ડાન્સ બારમાં રેઇડ કરીને 17 બાર ગર્લ્સની ધરપકડ કરી છે. પોલીસે શહેરના જાણીતા દીપા ડાન્સ બારમાં રેઇડ કરીને સીક્રેટ રૂમમાંથી બાર ગર્લ્સની ધરપકડ કરી છે. મેકરૂપની દીવાલમાં લાગેલા કાચની પાછળ બનાવાયેલા ગુપ્ત રૂમમાંથી બાર ગર્લ્સ ઝડપાઇ છે. પોલીસને આ જગ્યા શોધતાં 15 કલાકનો સમય લાગ્યો હતો. જ્યાં થી બાર ગર્લ્સ ઝડપાઇ ત્યાં ખાવા-પિવાથી લઈ તમામ સુવિધાઓ હતી.
પોલીસ માટે સીક્રેટ રૂમ સુધી પહોંચવુ સરળ નહોતું. આ માટે ઘણી મહેનત કરવી પડી હતી. મેકઅપ રૂમમાં લાગેલા કાચને હથોડાથી તોડ્યા બાદ આ ગુપ્ત રૂમમાં જવાનો રસ્તો મળ્યો હતો. એક એનજીઓ તરફથી મળેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એનજીઓએ ફરિયાદ કરી હતી કે, બારમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન થાય છે અને ભીડ એકઠી થાય છે. દરરોજ ગ્રાહકો લાખો રૂપિયા ઉડાવે છે. બાર ગર્લ્સના કારણે બાર આખી રાત ખુલ્લું હોય છે અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નથી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે એક પણ બાર ગર્લ્સ મળી નહોતી. તમામ જગ્યાએ શોધખોળ કર્યુ પણ ક્યાંયથી કોઈ બારબાળા મળી નહોતી. સ્ટાફે પણ અહીં કોઈ બાર ગર્લ્સ ન હોવાનું રટણ કર્યુ હતું. જે બાદ મેકઅપ રૂમમાં લાગેલા કાચ પર શંકા ગઈ. જે બાદ કાચની દિવાલને તોડવાની કોશિશ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેને તોડવો અશક્ય છે. જે બાદ હથોડો મંગાવીને કાચ તોડવામાં આવ્યો ત્યારે એક સિક્રેટ રૂમ મળ્યો. જેમાં 17 બાર ડાન્સરને છૂપાવીને રાખવામાં આવી હતી. જે બાદ પોલીસે તમામ બાર ડાન્સરને બહાર કાઢી અને ઘટના સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ નોંધી. હાલ બારને સીલ કરી દેવામાં આવ્યું છે અને કેટલા સમયથી આમ ચાલતું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500