ચોમાસાની પૂર્ણાહુતિ સાથે જમુંબઈમાં ફરી હવા પ્રદૂષિત થવા લાગી છે. જયારે મંગળવારનાં રોજ મુંબઈના કોલાબા વિસ્તારે અત્યંત નબળું ગણાતા 318ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સાથે શહેરના સૌથી પ્રદુષિત વિસ્તારનું અણગમતું બિરૂદ મેળવ્યું હતું. આ ચિંતાજનક ડાટા પુણે સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મીટીયોરોલોજીના ડિવિઝન સીસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર) દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે આગામી દિવસોમાં મુંબઈના એક્યુઆઈમાં સુધારો થવાનું અનુમાન રાખવામાં આવે છે.
મુંબઈમાં નવેમ્બર 2022 અને માર્ચ 2023 દરમિયાન એક્યુઆઈ સ્તર સતત 'અત્યંત નબળું' અને 'નબળું' રહ્યું છે જેના માટે હવાની ઓછી ગતિ, ઠંડા તાપમાન અને પ્રસંગોપાત કમોસમી વરસાદ સર્જતા જાગતિક અલ નિનોને જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા આઠ મહિના દરમ્યાન મુંબઈમાં હવાની ગુણવત્તા 150ના એક્યુઆઈ સાથે ઘટીને મધ્યમ સ્તરે પહોંચી છે. જોકે માર્ચ મહિનાથી શહેરનો એક્યુઆઈ 75ની આસપાસ સંતોષજનક સ્તરે રહ્યો હતો. મુંબઈનાં અન્ય વિસ્તારો પૈકી નવી મુંબઈમાં 201, મલાડમાં 200, મઝગાંવમાં 170 અને અંધેરીમાં 161નો એક્યુઆઈ નોંધાયો હતો.
એક્યુઆઈ મુખ્યત્વે હવામાં કાર્સિનોજેનિક રજકણો (પીએમ૨.૫)ની સાંદ્રતા પર નિર્ભર રહે છે, જેમાં વિવિધ શ્રેણીમાં અલગ અલગ જોખમો સંકળાયેલા હોય છે. 50 સુધીનું સ્તર સારુ ગણાય છે જ્યારે 51થી 100 સંતોષજનક, 101થી 200 મધ્યમ, 201થી 300 નબળું અને 301થી 400 અત્યંત નબળું તેમજ 400થી વધુ ગંભીર ગણાય છે. મુંબઈમાં પ્રદુષણ માટે અનેક પરીબળો જવાબદાર હોય છે જેમાં વાહનોના ઉત્સર્જન, બાંધકામ પ્રવૃત્તિમાંથી ઊડતી ધૂળ, કચરો બાળવાથી થતા ધૂમાડા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ મુખ્ય છે. મુંબઈમાં સમગ્ર અઠવાડિયા દરમ્યાન મહત્તમ તાપમાન 33થી 35 ડીગ્રી સેલ્શિયસની આસપાસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 25 ડીગ્રી સેલ્શિયસ આસપાસ રહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500