બિહારનાં ઔરંગાબાદમાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા આટલું જ નહીં આગની જાણ થતાં પહોંચેલી પોલીસ ટીમના 7 જવાનો પણ દાઝી ગયા હતા. જોકે અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ ઘાયલોની સ્થિતિ જોખમની બહાર છે. આ ઘટના ઔરંગાબાદનાં શાહગંજ વિસ્તારની છે જ્યાં અનિલ ગોસ્વામીનાં ઘરે મહિલાઓ છઠનો પ્રસાદ બનાવી રહી હતી. ત્યારે સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે ઘરમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ આસપાસનાં લોકો પણ આગ ઓલવવા માટે પહોંચી ગયા હતા.
આ દરમિયાન સૂચના મળતાં જ શહેર પોલીસ મથકની પેટ્રોલિંગ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ કર્મચારીઓએ આગ ઓલવવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ આ દરમિયાન સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે 7 પોલીસ કર્મીઓ સહિત 30થી વધુ લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને દાઝી ગયા હતા.
જોકે હાલ તો ઘાયલોને સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમાંથી 10ને સારી સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે આ તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ સામાન્ય છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રે લોકોને આવા પ્રસંગોએ સાવચેત રહેવા વિનંતી કરી છે અને કહ્યું છે કે, સાવચેતી રાખવાથી આગજની જોખમોને ટાળી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500