હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને સિરમૌરમાં આભ ફાટવાની ઘટનાની સીધી અસર હરિયાણા રાજ્યમાં થઇ હતી. અહીં નકટી અને સોમ નદી ખતરાના નિશાનથી ઉપર નીકળી ગઈ અને બંને નદીઓ પર બાંધેલા ડેમ તૂટી જતાં લગભગ 15થી વધુ ગામડાઓ ડૂબી ગયા હતા. પહેલીવાર સોમ નદીમાં 24 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ હતી. જેના લીધે અનેક ગામડામાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. હરિયાણાની મિલેનિયમ સિટી તરીકે ઓળખાતા ગુરુગ્રામમાં પણ ભારે વરસાદને પગલે પાણી જ પાણી થઈ ગયું હતું અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા.
સ્થાનિકોની ફરિયાદ અનુસાર બેઝિક ડ્રેનેજ સુવિધામાં પણ લાલિયાવાડીને લીધે વિસ્તારના અનેક ભાગોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાતા ખેતરોમાં ઊભો પાક પણ પાણીમાં ડૂબી જતાં ખેડૂતોને મોટાપાયે નુકસાનની ભીતિ સર્જાઈ છે. ચિંતપુરમાં એક ખેતરમાં 34 વર્ષીય ખેડૂતનું ડૂબી જતાં મૃત્યુના પણ અહેવાલ સામે આવ્યા છે. એનડીઆરએફની ટીમે તેનો મૃતદેહ શોધ્યો હતો. સાઢૌરા ગામની વાત કરીએ તો અહીં 5 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા છે.
પોલીસ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહી છે. સોમ નદીનો ડેમ તૂટતાં આજુબાજુના ગામડાઓમાં પાણી જ પાણી થઈ ગયું હતું. રાહત અને બચાવ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. યમુના નદીમાં 65 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યાની માહિતી મળી રહી છે. સોમ નદી જે જિલ્લામાં વહે છે ત્યાં 21 મિ.મી. વરસાદ નોંધાયો હતો જ્યારે સાઢૌરામાં 80 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગ્રામીણોએ ફરિયાદ કરી હતી કે જ્યાં ડેમ બનાવવાની જરૂર હોય છે ત્યાં તંત્રએ ન બનાવ્યા અને તેના કારણે જ આવી પૂરની ભયાનક સ્થિતિનો અમારે સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500