ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીપાકને થયેલા નુકસાનને લઇને રાજય સરકારે 630 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજના કારણે દક્ષિણ ગુજરાતના 700થી વધુ ગામોના 10 હજારથી વધુ ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન અંગે ફાયદો થશે. જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજે 100 કરોડની રાહત મળશે. આ વર્ષે ચોમાસા દરમિયાન ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદ પડવાના કારણે કે પછી ખેતરોમાં પાણી ભરાવાના કારણે નુકસાન થયુ હતુ. આ નુકસાનાના કારણે રાજય સરકાર દ્વારા ખેતીવાડી અધિકારી પાસે સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરાવાયો હતો. આ રિપોર્ટ બાદ હાલમાં સરકાર દ્વારા ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે.
આ અંગે ખેડૂત અગ્રણી જયેશ પટેલ (દેલાડ) જણાવે છે કે, આ પેકેજના કારણે સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનાં ખેડૂતોને ફાયદો થશે. જેમાં સુરત જિલ્લામાં ખાસ કરીને કેળાની ખેતી કરતા ખેડૂતોને ફાયદો થશે. સરકારે એક હેકટર દીઠ કેળાના પાકમાં નુકસાન અંગે 30 હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યુ છે. આ પેકેજ જોતા હાલ દક્ષિણ ગુજરાતના 700 જેટલા ગામોનાં 10 હજારથી વધુ ખેડૂતોને ફાયદો થશે. એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને આ રાહત પેકેજમાંથી 100 કરોડ મળશે. જેથી ખેડૂતોને જે નુકસાન થયુ છે, તેની ભરપાઇ થશે. જયારે ઓલપાડનાં ભાડુત ગામના 400 ખેડૂતો વર્ષે દહાડે કરોડો રૂપિયાના ખર્ચામાંથી બચ્યા છે.
આ ગામમાં સુરત જિલ્લા પંચાયત અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ત્રણ તળાવો પર સોલાર પ્લાન્ટ નાંખીને ડિઝલ પંપના બદલે ઇલેક્ટ્રીક મોટરથી ખેતીપાકને પાણીનું સિંચન કરવાનું શરૂ કર્યુ છે. આ પહેલા ડિઝલના કારણે મહિને રૂપિયા 9.13 લાખ અને વર્ષે દહાડે 1.10 કરોડનો ડિઝલનો વપરાશ થતો હતો. પરંતુ અદાણી ફાઉન્ડેશન દ્વારા તળાવો પર પાંચ એચપીના ઇલેકટ્રીક પંદર પંપની સુવિધા કરી આપવામાં આવતા આજે ગામના 400 ખેડૂતો ફકત ઇલેક્ટ્રીક મોટરની એક સ્વીચ દબાવીને ખેતરોમાં પાણીનુ સિંચન કરીને વર્ષે દહાડે કરોડો રૂપિયા બચાવ્યા છે. આમ, આ ગામમાં 688 વીંધા જમીનમાં સિંચન માટે ડિઝલનો ખર્ચો શૂન્ય આવે છે. જોકે, વર્ષે દહાડે 9.50 લાખ જેટલુ મેઇન્ટેશન આવે છે.
જોકે આ વર્ષે સુરત જિલ્લામાં ડાંગરનાં મબલખ ઉતારો આવે તેવી ખેડૂતોને આશા છે અને તેની શરૂઆત થઇ લાભ પાંચમથી. પ્રથમ દિવસે જ જહાંગીરપુરા સ્થિત પુરુષોતમ જીનીગ મીલમાં 1 લાખ ડાંગરની ગુણો આવી છે. આ સિવાય પાલ કોટન મંડળી સહિતની તમામ મંડળીઓમાં ડાંગરની આવક શરૂ થતા જહાંગીરપુરા જીનની બહાર ટ્રેકટરોની લાબી લાઇનો જોવા મળી રહી છે. આમ, આ વખતે જગતનો તાત ડાંગરના પાકથી ખુશ છે. આ વખતે અંદાજે સુરતમાંથી 10 લાખથી વધુ ડાંગરની ગુણોની આવક થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500