સોનગઢ તાલુકાના ધજાંબા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ‘કિસાન પથ યોજના વર્ષ ૨૦૨૩-૨૪’ અંતર્ગત રૂપિયા ૪૨૧.૮૫ લાખનાં ખર્ચે આમલીપાડા, ઉખલદા, ધજાંબા, વેલઝરને જોડતા નિર્માણાધિન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે. રાજ્ય સરકારે હરહંમેશ પ્રજાની ચિંતા કરી છે.
મંત્રી હળપતિએ ઉમેર્યું કે, ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબ, યુવાનો, મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી હતી. ઉલ્લેખનીય છે કે, નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજિત ૨૪ હજાર જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે. શાળા-કોલેજોએ જતા વિદ્યાર્થીઓ, ખેતપેદાશો માટે અવરજવર કરતાં તથા રોજિંદા નોકરી-ધંધાર્થે જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નિવડશે.
પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકારશ્રી તથા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા, આમલીપાડા, કેલાઈ, ઝાડપાટ, ઉખલદા, ધજાંબા, વેલઝર, સીસોર, ધાસીયા મેઢા, પાંચ પીપળા, વાઝરડા, વાઘનેરા, વેકુર, જમાપુરના ગ્રામજનોને અવર-જવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા વિકાસ અધિકારી, ધજાંબા-સીસોર સહિત આસપાસના ગામના સરપંચઓ, નાયબ કાર્યપાલક ઇજનેર, વહીવટી તંત્રના કર્મીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500