ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.-સુરત દ્વારા પોલીસ લાઈન વરાછા ખાતે રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે કક્ષા બી-૪૦ ટાઈપના રૂ. ૭ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યુ હતું. ૧૦ માળના આધુનિક આવાસોમાં રસોડા સાથે બે રૂમો કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલના રહેણાંક માટે બનાવવામાં આવ્યા છે, જેમાં બાળકો માટે ગાર્ડન, મહિલાઓ માટે મોડ્યુલર કિચન, ગેસ કનેકશન, લિફ્ટ, પાર્કિંગ, ક્લબ હાઉસ જેવી ઉત્તમ સુવિધાઓ સાથે નિર્માણ થયેલા છે. વરાછા રેલવે લાઈન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, રેલ્વે પોલીસ એ પોલીસ સેવાનું મહત્વનું અંગ છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગની અગત્યની ભૂમિકાઓ રહેલી હોય છે.
ગુનેગારો પકડવા પોતાના જીવનની પરવા કર્યા વગર કાયદો વ્યવસ્થા જાળવવામાં તેમનું અગત્યનું યોગદાન છે. રેલવેના મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે દેશના રેલવે સ્ટેશનોને આધુનિક લુક આપવામાં આવી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશનનું રૂ. ૯૮૨ કરોડના ખર્ચે મલ્ટી મોડેલ હબ તરીકે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આગામી ૨૫ વર્ષમાં મુસાફરોની સંખ્યા વધીને ૨૫ લાખ થાય તેને ધ્યાને લઈને સુરત તથા ઉધના સ્ટેશનોનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારોને ઉત્તમ પ્રકારના આવાસો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. નવા પોલીસ આવાસમાં સહપરિવાર સાથે રહીને તણાવમુક્ત જીવન જીવી શક્શે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રેલવે યાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે રેલવે પોલીસ જવાબદેહી પૂર્વક પોતાની ફરજો બજાવે છે. સુરત રેલવે સ્ટેશન ખાતે દરરોજ ૩૪૧ ટ્રેનો તથા ૧.૭૫ લાખ મુસાફરો અવર-જવર કરે છે. તેઓની સુરક્ષા રેલવે પોલીસના શિરે હોય છે. ડ્રગ્સ તથા અન્ય નશાકારક વિરોધી ઝુંબેશ અંતર્ગત રેલવે પોલીસે પણ એક વર્ષમાં પશ્ચિમ ડિવિઝન દ્રારા ૧૧ કેસોમાં ૧૩ ગુનેગારોને પકડીને ૧૮૮ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરીને યુવાનોનું ભવિષ્ય ધૂંધળું થતા બચાવ્યું છે. રેલવે સ્ટેશનો ખાતે ભીડભાડના કારણે પરિવારોથી બાળકો છુટા પડી જતા હોય છે, ત્યારે રેલવે પોલીસે આવા ૨૧૦ બાળકોને શોધીને પરિવારજનો સાથે સુખદ મિલન કરાવવાનું પ્રસંશનીય કાર્ય કર્યું છે.
વધુમાં મંત્રીએ રેલવે પોલીસના આવાસોમાં રહેનારા પોલીસ પરિવારો સરકારી આવાસ તરીકે નહી, પરંતુ પોતીકા મકાન તરીકે કાળજી રાખી સમગ્ર પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરોને પાલિકા અધિકારીઓ સાથે મળીને શહેરની ફુટપાથ પર ધંધો કરનારા નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવા સૂચન કર્યું હતું. આ અવસરે નાર્કોટિક્સ તેમજ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને તેમજ બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે ખડેપગે રહી સ્વજનોથી વિખુટા પડેલા અનેક બાળકો તથા નિ:સહાય લોકોનો પરિવાર સાથે મેળાપ કરાવવાની સરાહનીય કામગીરી બદલ SHEE TEAM માં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓનું સન્માન કરી પ્રશંસાપત્ર એનાયત કરી વધુ સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500