વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના દામકા ગામે ૨૬ જેટલા પ્રધાનમંત્રી આવાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ચોર્યાસી તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવતા જરૂરિયાત ધરાવતા ગામોને જોડતા રસ્તા અને જરૂરિયાતમંદને આવાસો બનાવી આપવાની પણ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રીએ જનઆરોગ્ય વિશે સરકારે કરેલા કાર્ય વિશે વાત કરતાં કહ્યું હતુ કે, આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર વિનામુલ્યે થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ સુધીની કરી છે. પહેલા છેવાડાના ગામના લોકો બિમાર પડતા તો શહેર સુધી દવા લેવા જવું પડતું હતું પરંતુ હવે ઘર આંગણે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવી લોકોને સુખમય કર્યા છે. સરકાર છેવાડાના માનવીનું સ્વાસ્થ સારું રહે તેવા પ્રયત્નો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યા હોવાનું જણાવતા મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500