દેશના લગભગ 80 ટકા સુધી ચોમાસું પહોંચી ગયું છે. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે 15 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો અને સેંકડો પ્રવાસીઓ અને મુસાફરો રસ્તામાં અટવાઈ પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી પાંચ દિવસ સુધી 23 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, વાદળ ફાટવાને કારણે મંડી જિલ્લાના બાગી નાલામાં અચાનક પૂર આવ્યું જેના કારણે ચંદીગઢ-કુલુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે લગભગ હાઇવે પરની અવરજવર ગતરોજ બપોરે જ એક બાજુથી પુનઃસ્થાપિત થઈ શકી હતી. મુસાફરોને ધીમે ધીમે વૈકલ્પિક માર્ગો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 301 નાના અને મોટા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે વીજળીના 140 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થયા છે. પીવાના પાણી અને સિંચાઈની 1 હજારથી વધુ યોજનાઓમાં કાંપ ભરવાથી પાણી માટે હાલાકી સર્જાઈ છે.
શિમલામાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરની સંભાવના છે. કાશ્મીરને દેશ સાથે જોડતો 250 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરવો પડ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સંભાવના છે. રામબનમાં 10મી સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવયો છે. ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં ત્રણ રાજ્ય ધોરીમાર્ગો, બે મુખ્ય જિલ્લા માર્ગો, એક જિલ્લા માર્ગ અને 37 ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે.
પિથોરાગઢમાં અવિરત વરસાદને જોતા પ્રશાસને આદિ કૈલાશ યાત્રા પર 30 જૂન સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા વરસાદને કારણે 14 લોકોના મોત થયા છે જેમા રાજસ્થાનમાં પાલી, બારન અને ચિત્તોડગઢમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. આ ઉપરાંત મુંબઈમાં બે દિવસથી ભારે વરસાદને કારણે ઘાટકોપરમાં ધરાશાયી થયેલી ઈમારતમાંથી ગતરોજ બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
થાણેમાં પણ એક ઈમારતની 40 ફૂટ લાંબી વોલ ધરાશાયી થઈ હતી. આ સાથે મધ્યપ્રદેશના દમોહમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે લગ્નનો મંડપ તૂટી પડતાં આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ખુબ જ ગંભીર છે. દિલ્હી-NCRમાં આજે ભેજનું પ્રમાણ વધ્યું હતું. પાલમ, આયાનગર, નજફગઢ સહિતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાન નિયંત્રણમાં રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી અને મહત્તમ 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500