હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને બે દિવસ બાદ વરસાદના જોરમાં ઘટાડો થઈ શકે છે. રાજ્યના 221 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 259 મી.મી. નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગતરોજ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ત્યારે ગતરોજ સવારે 6 વાગ્યાથી આજે વહેલી સવાર સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢમાં સૌથી વધુ 259 મી.મી વરસાદ નોંધાયો હતો.
આ સાથે સુરતના મહૂવામાં 186 મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે તાપીના વાલોડમાં 175 મી.મી અને ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 154 મી.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું અને સવારે 10 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાત વરસ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં ગતરોજ નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેસ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર તેમજ એસજી હાઈવે પર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે 80 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 6.11 વાગ્યે 30158 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 53.1મી. તથા હાલની સપાટી 51 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકા ના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો જેના પગલે ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત લખતર અને સાયલામાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોવાથી હેઠવાસના 20 ગામોને એલર્ટ કરાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500