ગુજરાતમાં ભર ઉનાળામાં માવઠાની સિઝન શરૂ થઈ છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. ત્યારે હવે ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. વરસાદ બાદ હવે તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી તારીખ 4 અને 5 જૂને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સાબરકાંઠામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
બીજી તરફ રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનાં જણાવ્યા પ્રમાણે, આ વખતે ગુજરાતમાં રોહિણી નક્ષત્ર પ્રમાણે ચોમાસુ સારૂ રહેવાની શક્યતાઓ દર્શાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં બે ચક્રવાત ઉભા થઈ રહ્યાં છે. એક સાથે બે વાવાઝોડા સક્રિય થશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડુ ઉત્પન્ન થશે. જેની ગુજરાતના વાતાવરણ પર અસર થશે. તેમજ ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.
તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં તારીખ 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે તારીખ 22થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે. જયારે ગતરોજ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી છે.
જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ ગરમી અનુભવાશે. રાજ્યમાં 40 ડિગ્રી આસપાસ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે અમદાવાદમાં તારીખ 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500