Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મેઘ તાંડવ : મીંઢોળા અને વાલ્મીકી નદી ગાંડીતુર બની, ૭૭૪ લોકોનું સ્થળાંતર,૧નું મોત

  • July 26, 2024 

તાપી  જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાની સ્થિતિ વણસી છે.હાલ વાલોડ,ઉચ્છલ અને સોનગઢ કેટલાક ગામડાઓ જાણે બેટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ,સોનગઢ,અને વાલોડમાં ભરાયલા પાણી હજી ઓસર્યા નથી.અહી આ તાલુકાઓમાં ૪થી ૫ ફૂટ પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા હતા.વરસાદના અહેવાલ મળતા જ વહેલી સવારથી જ તંત્ર દોડતું થઇ ગયું હતું.ડોલવણ,ઉચ્છલ અને કુકરમુંડા અને નિઝરમાં ગત રાત્રે પડેલા વરસાદને કારણે રોડ-રસ્તાઓ તૂટી ગયા હતા જેના કારણે તમામ આંગણવાડી અને શાળાઓમાં રજા આપવા જિલ્લા કલેકટર દ્વારા સુચના આપી દેવામાં હતી.

વાલ્મીકી નદી ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી થઇ : તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મીંઢોળા નદી, વાલ્મીકી નદીઓમાં નવા નીરની આવક સાથે ઘોડાપુર આવ્યા છે.ગામના મુખ્ય રસ્તાઓ પર ગળાડૂબ પાણી ભરાયા છે. પરિણામે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.આ ઉપરાંત, ઘરની બહાર અને અંદર પણ પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.વાલોડ માંથી પસાર થતી વાલ્મીકી નદી ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી થઇ છે. જેના કારણે અહીના પુલ ફળિયા સહીત નજીકના ફળિયાઓ બેટમાં ફેરવાયા છે.

કોતરમાં તણાય ગયા જતા ૧ વૃધ્ધાનું મોત  : અહીના નાલોઠા,આંબાચ,વિરપોર અને વેડછી ગામે લોકોના ઘરો પાણી ભરાઈ જતા એસ.ડી.આર.એફ ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. નાલોઠા ગામે પાણી ભરાય જવાથી ફસાયેલા ૩૫ લોકોનું રેસ્ક્યુ કરાયું,અંબાચ ગામેથી ૪૫ લોકોનું રેસ્ક્યુ કરાયું,વેડછી ગામેથી ૨૦ લોકોનું રેસ્ક્યુ,જયારે વિરપોર ગામેથી ૪ લોકોનું રેસ્ક્યુ,તેમજ સોનગઢના હીરાવાડી ગામેથી ૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.વાલોડના રહીશ જશુંબેન રામુભાઈ હળપતિ (ઉ.વ.૭૦)નાઓનું કોઝ વે પરથી લપસી જતા કોતરમાં તણાય ગયા જતા તેમનું મોત નિપજ્યું છે. ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જિલ્લાના ૫ તાલુકામાં કુલ ૧૧૩ જેટલા રસ્તાઓ પરથી પાણી ફરી વળતા આવન-જાવન બંધ દેવામાં આવી છે.

પુલ તુટી જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો : ભારે વરસાદ વરસતા  સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે પુલ બેસી ગયો છે તેમજ ગામના બરડીપાડા તરફ જતો રાજ્યધોરી માર્ગ પર આવેલ પુલ નીચે બેસી ગયો હતો.જોકે સ્થાનિક લોકોની મદદથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે.તેમજ હીરાવાડી ગામની મીંઢોળા નદીના પાણીમાં ૨ લોકો (૧ મહિલા અને ૧ પુરુષ) ફસાય જતા સોનગઢ નગર પાલિકાની ફાયરની ટીમે રવાના થઇ હતી દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.બીજી તરફ સોનગઢના અમલગુંડી ગામે પુલ તુટી જવાને કારણે ટેમ્કા થી વ્યારાને જોડતો માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો : વ્યારા તાલુકાના છીંડિયા ગામે અથમાણી ફળીયામાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા આ ફળીયામાં સાતથી આઠ ઘરો ઘરો વસેલા છે તમામને બચાવવા તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. વ્યારા મામલતદારના રીપોર્ટ અનુસાર આજરોજ સવારે ૬ કલાકે વીતેલા ૨૪ કલાક દરમિયાન વ્યારા તાલુકામાં ૧૭૩ મીમી વરસાદ ખાબક્યો છે,જેના કારણે ગડત,બેડચીત તથા ભોજપુર ગામોના નીચાણવાળા ફળીયામાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

 જિલ્લા વહીવટીતંત્ર  ખડેપગે બચાવ અને રાહતકામગીરી જોતરાયા

અતિ ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાય જવાથી ઉચ્છલ તાલુકાના કટાસવાણ,ખાબદા તેમજ મીરકોટના નીચાણ વાળા ફળીયામાં પાણી ભરાયા હતા. ઉચ્છલ તાલુકામાં અંદાજીત ૧૫૦ જેટલા લોકોને સ્થળાંતરીત કરવાની ફરજ પડી હતી. વ્યારાના પાનવાડી,કાંજ્ણ,આરકુંડ,મેઘપુર ગામોમાંથી કુલ ૧૯૯ જેટલા લોકોને સ્થળાંતરીત કરાયા હતા. તેમજ વાલોડના નાલોઠા અને વેડછી માંથી કુલ ૪૨૫ લોકોને સ્થળાંતર કરાયા હતા.હાલ તંત્ર અને એસડી.આર.એફની ટીમ તેમજ પાલિકાના ફાયરના જવાનો સહીત જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ દ્વારા ખડેપગે બચાવ અને રાહતકામગીરી જોતરાયા હોવાનું નજરે પડી રહ્યું છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો ?? એક નજર કરીએ​ : આજરોજ બપોરે ૦૨ કલાક સુધી વીતેલા ૩૮ કલાક દરમીયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો ?? એક નજર કરીએ (તા.૨૫મી જુલાઈ સવારે ૦૬ કલાકથી તા.૨૬મી જુલાઈ બપોરે ૦૨ કલાક) સુધીનો વરસાદ

ઉચ્છલ ૧૯૬ મીમી,ડોલવણ ૧૮૦ મીમી,સોનગઢ ૧૧૪ મીમી,વાલોડ ૧૧૧ મીમી,વ્યારા ૮૮ મીમી,નિઝર ૨૯ મીમી અને કુકરમુંડા ૪૧ મીમી વરસાદ નોંધાયો હોવાની માહિતી જિલ્લા ડિઝાસ્ટર ડીપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application