આણંદ પાસેના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારના સાબરમતી વાસ નજીક એનઆરઆઇની બંગ્લોમાં અજાણ્યો શખ્સ પાણી પીવાના બહાને ઘૂસી આવ્યો હતો અને એનઆરઆઇ વૃધ્ધાને બંધક બનાવીને હુમલો કરીને ૨.૫૦ લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી શખ્સ નાસી છૂટયો હતો. મહિલાને રેલિંગ સાથે બાંધેલી હાલતમાં લૂંટારૂ ફરાર થઇ ગયો હતો અને પતિ આવતા મહિલાને મુક્ત કરી હતી. આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં સાબરમતી વાસ નજીક આવેલા યમુના પાર્ક સોસાયટીના મૌલેશ બંગ્લોઝ ખાતે ૭૬ વર્ષીય સુદેવીબેન જગદીશભાઈ પટેલ રહે છે. તેઓ એનઆરઆઈ સિટિઝન હોવાથી અમેરીકા ખાતે પુત્ર સાથે રહે છે.
જોકે તેઓની નોકરી અંગે હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી સપ્ટેમ્બર, ૨૦૨૪માં તેણી પોતાના પતિ સાથે ભારત આવ્યા હતા અને મૌલેશ બંગ્લો ખાતે રહેતા હતા. સોમવારના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે પતિ જગદીશભાઈ તેમના ડ્રાઈવર સાથે કાર લઈ બજારમાં ખરીદી અર્થે નીકળ્યા હતા અને સુદેવીબેન ઘરે એકલા હતા. થોડી જ વારમાં એક ૨૫થી ૩૦ વર્ષના આશરાનો શખ્સ ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો. સુદેવીબેને કોણ છો, શું કામ છે? તેમ પુછતાં અજાણ્યા શખ્સે પાણી પીવું છે તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી અંદર આવ્યો હતો.
સુદેવીબેને અજાણ્યા શખ્સને બહાર જવાનું કહેતા જ તેણે વૃધ્ધાને ઉંચકીને સોફામાં ફેક્યાં હતા અને લાફો ઝીંકી દીધો હતો. બાદ પોતાની સાથે રાખેલી દોરીથી વૃધ્ધાના બંને હાથ બાંધી દીધા હતા અને રૂમાલ વડે મોઢું દાબી દીધું હતું. બાદમાં વૃધ્ધાએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન તથા બંને હાથે પહેરેલા સોનાની બંગડીઓ કાઢી લીધી હતી.મહિલાના ૨.૫૦ લાખના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ અજાણ્યા શખ્સેવૃધ્ધાને દુપટ્ટાથી ઘરના દાદરની રેલીંગ સાથે બાંધી દીધા હતા અને અજાણ્યો શખ્સ લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. સાંજના સુમારે પતિ જગદીશભાઈ ઘરે આવ્યા હતા અને તેઓએ સુદેવીબેનને મુક્ત કર્યા હતા. આ ઘટના અંગે સુદેવીબેને પટેલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500