Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’માં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામરોડ ગામની દીકરી મૈત્રીબેન પટેલ લાભાન્વિત

  • February 02, 2024 

રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી ટેક હોમ રાશન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામથી પૂરક પોષક આહાર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘઉં, બેસન, સોયાબિન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ થાય છે. આ તત્વોમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પોષક વાનગીઓ બનાવી શકાય છે.


રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષણયુક્ત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઈસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટસ આપવામાં આવે છે. યોજના હેઠળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામરોડ ગામે રહેતા મૈત્રીબેનને પુરક પોષણયુક્ત આહાર મળી રહ્યો છે. પેકેટ્સમાંથી પોષક આહાર આરોગીને મૈત્રીબેન સુપોષિત ગુજરાતના નિર્માણમાં ભાગીદાર બની રહ્યા છે. પૂર્ણાશક્તિના લાભાર્થી મૈત્રીબેન ઉમેશભાઈ પટેલ જણાવે છે કે, હું સામાન્ય પરિવારથી આવું છું, ત્યારે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષકઆહાર કે સામગ્રી ખરીદવા શક્ય ન હતા.


એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું અને નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે. યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધામરોડ આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પુર્ણા શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે.


ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે. મૈત્રીબેન કહે છે કે, સરકારની અન્ય યોજનામાં મારા પરિવારે ઈ-શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પણ કઢાવ્યા છે. મારા પરિવારજનોમાં કોઈ ગંભીર બીમારીમાં સપડાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવશે તો આયુષ્યમાન કાર્ડ સંકટ સમયની સાંકળ બનશે. રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે જે મારા જેવી અનેક દિકરીઓને સહાયરૂપ બની છે. સરકાર દ્વારા પૂર્ણા યોજનામાં મળતા આહાર બદલ હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક અભાર માનું છું એવું તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application