એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ઓનલાઈન સટ્ટાબાજી પર આકરી કાર્યવાહીના ભાગરૂપે મહાદેવ એપના પ્રમોટરો સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના સ્થળો પર દરોડા પાડયા હતા અને રૂપિયા ૪૧૭ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમના પર મની લોન્ડરિંગનો આરોપ મૂકાયો છે. આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવે છે તેમ ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ આરોપ મૂક્યો કે દુબઈથી સંચાલિત આ કંપની નવા યુઝર્સને જોડવા, યુઝર્સના આઈડી બનાવવા અને અનેક બેનામી બેન્ક ખાતા મારફત મની લોન્ડરિંગ કરવા માટે ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી.
આ સટ્ટાબાજી એપનું ટર્નઓવર અંદાજે રૂપિયા ૨૦,૦૦૦ કરોડ હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે વ્યાપક સ્તરે દરોડા પાડયા હતા. આ સમયે વાંધાજનક પુરાવા મળ્યા હતા અને ઈડીએ રૂપિયા ૪૧૭ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે, છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે અને દુબઈથી તેનું સંચાલન કરે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી.
સટ્ટાબાજીની આવક વિદેશી ખાતાઓમાં મોકલવા માટે મોટાપાયે હવાલા ઓપરેશન કરાય છે. એટલું જ નહીં ભારતમાં સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત અને નવા યુઝર્સ અને ફ્રેન્ચાઈઝી ઈચ્છતા લોકોને આકર્ષિત કરવા માટે સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. ઈડીએ પહેલા છત્તીસગઢ રાજ્યમાં તપાસ હાથ ધરી હતી અને આ સટ્ટેબાજી સિન્ડિકેટના મુખ્ય સંપર્કકર્તા સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી હતી, જે વરિષ્ઠ સરકારી અધિકારીઓને પ્રોટેક્શન મનીના રૂપમાં લાંચ આપતા હતા.
સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે યુએઈમાં પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે. તે બંને અચાનક ગેરકાયદે કમાણીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ફેબુ્રઆરી ૨૦૨૩માં સૌરભ ચંદ્રાકરે લગ્ન સમારંભ માટે અંદાજે રૂપિયા ૨૦૦ કરોડ રોકડ ખર્ચ કર્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. સૌરભ ચંદ્રાકરના લગ્ન માટે પરિવારના સભ્યોને નાગપુરથી યુએઈ ખાનગી જેટમાં લઈ જવાયા હતા. વધુમાં લગ્ન માટે વેડિંગ પ્લાનર, ડાન્સર, ડેકોરેટર વગેરેને મુંબઈથી બોલાવીને કામ અપાયું હતું અને બધાને રોકડમાં ચૂકવણી કરાઈ હતી.
આ સંબંધમાં ઈડીએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની આર-૧ ઈવેન્ટ્સ પ્રા. લિ., મેસર્સ રેપિડ ટ્રાવેલ્સ સહિતની કંપનીઓ પર પણ કાર્યવાહી કરી હતી. ઇડીના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સમાપ્ત થતાં આઇઆરએસ અધિકારી રાહુલ નવીનની ઇનચાર્જ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ૧૯૯૩ની બેન્ચના આઇઆરએસ અધિકારી રાહુલ નવીન રગ્યુલર ડાયરેક્ટરની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. જુલાઇમાં સુપ્રીમ કોર્ટે સંજય કુમાર મિશ્રાને ૧૫ સપ્ટેમ્બર સુધી એક્સટેન્શન આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500