મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં થયેલ દુર્ઘટનામાં વાવમાંથી અત્યાર સુધી 35 લોકોના શબ કાઢવામાં આવ્યા છે. જ્યારે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ઈન્દોર વિભાગનાં કમિશનરે જણાવ્યું કે એન.ડી.આર.એફ. બાદ સૈન્યએ પણ મોરચો સંભાળી લીધો છે. રાતે વાવમાંથી 21 શબ કાઢવામાં આવ્યા હતા. રામનવમીના દિવસે ગુરુવારે લગભગ 11:30 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી જેના લીધે આખો દેશ હચમચી ગયો હતો.
આ દુર્ઘટનામાં એક કે બે નહીં પણ અત્યાર સુધી 35 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં એન.ડી.આર.એફ.ની 140 લોકોની ટીમ કાર્યરત કરાઈ છે જેમાં 15 જવાન એન.ડી.આર.એફ.ના, 50 એસ.ડી.આર.એફ. અને 75 જવાન આર્મીનાં સામેલ છે. ઈન્દોર જિલ્લાનાં મહુ આર્મી હેડક્વાર્ટરથી આર્મી જવાનોની ટુકડી પણ રાતે ઘટના સ્થળે પહોંચી હતી. આર્મીના આવ્યા બાદ મૃતદેહો ઝડપથી મળવા લાગ્યા હતા. જેમાં આખી રાત ઓપરેશન ચલાવાયા બાદ કુલ 21 જેટલા શબ મળી આવ્યા હતા.
રેસ્ક્યૂ ઓપરેશનમાં એક તકલીફ પણ થઈ રહી છે કે જ્યારે પાણી કુવામાંથી ખાલી કરી દેવાય છે તો અડધા કલાકમાં તેમાં ફરીવાર 4થી 5 ફૂટ પાણી આવી જાય છે. જેના લીધે પાણી ખાલી કરવા માટે ફરી રાહ જોવી પડે છે અને ફરી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવું પડે છે. આ રેસ્ક્યૂ ઓપરેશન લગભગ 40 ફૂટ ઊંડી વાવમાં ચલાવાઇ રહ્યું છે. ઈન્દોર શહેરના એક બગીચામાં બનેલા બાલેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુવારે આ દુર્ઘટના થઈ હતી.
આ મંદિશ્રમાં ગેરકાયદે રીતે કુવાની વાવને સિમેન્ટના સ્લેબ દ્વારા ઢાંકી દેવાઈ હતી અને તેના પર હવન કુંડ બનાવી દેવાયું હતું. લોકો ત્યાં હવન કરી રહ્યા હતા ત્યારે જ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. એક વર્ષ પહેલા બગીચામાં બનેલા ખાનગી મંદિર અંગે જ્યારે અહીંના સ્થાનિકોએ ફરિયાદ કરી તો નગર નિગમે મંદિરને એક કાયદેસરની નોટિસ મોકલી હતી પણ મંદિરના ટ્રસ્ટે આરોપ મૂક્યો કે ધાર્મિક ભાવનાઓને દુભાવવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આખી ઘટનાના ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને દરેક ઘાયલને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા મૃતકના પરિજનોને જ્યારે ઘાયલને 50000 રૂપિયા આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500