વ્યારા ખાતે આવેલ રેલ્વે સ્ટેશન અને સુરતના ચલથાણ રેલ્વે સ્ટેશને એક્ષ્પ્રેસ ટ્રેનોના સ્ટોપેજની માંગણીને કેન્દ્રસ્થાને રાખીને સાંસદ પ્રભુભાઈ વસાવાએ નગરજનોની આવાગમનની સમસ્યાનો અંત લાવવા માટે રેલ મંત્રાલયને એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ માટેની ખાસ દરખાસ્ત મોકલી હતી. રેલ મંત્રાલય દ્વારા આ દરખાસ્તનો સ્વીકાર કરીને વ્યારાને ત્રણ એક્સપ્રેસ અને સુરતના ચલથાન રેલ્વે સ્ટેશનના એક સ્ટોપેજ તરીકે મંજુર કરાયું છે. જ્યાં સાંસદ પ્રભુભાઈ વસાવા અને પીએસી કમિટીના મેમ્બર છોટુભાઈ પાટીલ દ્વારા વ્યારા સ્ટોપેજનો શુભારંભ કરાવી બાંદ્રા-પટના હમસફર, ઉધના બનારસ, અને ભુસાવલ મુંબઇ ખાનદેશ એક્સપ્રેસ એમ ત્રણ ટ્રેનોને વ્યારા સ્ટોપેજથી લીલી ઝંડી આપી હતી.
આ પ્રસંગે સાંસદ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તાપી અને સુરત જિલ્લાના સ્થાનિકો, વેપારીઓ તથા મૂળ પરપ્રાંતથી ધંધા-રોજગાર અર્થે આવેલા નાગરિકોને એક સુંદર ભેટ મળી છે. અગાઉ નગરજનોને આવાગમન માટે પડતી તમામ મુશ્કેલીઓનો આજે સુખદ અંત આવ્યો છે. ત્યારે આપણા સૌ માટે આશિર્વાદરૂપ બનેલા આ સ્ટોપેજની જાળવણી અને દેખરેખ આપણી સૌની જવાબદારી છે. પીએસી કમિટીના મેમ્બર છોટુભાઇ પાટીલે પણ નગરજનોને મળેલ આ અમૂલ્ય ભેટ અંગે ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તાપી અને સુરત જિલ્લાના સ્થાનિકો, વેપારીઓ, મુળ પરપ્રાંતથી ધંધા-રોજગાર અર્થે આવેલા અને વસવાટ કરતા નાગરીકોને વતન જવા માટે પડતી મુશ્કેલીઓનો આજે સુખદ અંત આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500