ગુજરાતમાં આ એ ભાજપ નથી, જેની એક નજરથી કોઈ પણ બળવો શાંત થઈ જતો નથી, ગાંધીનગરથી થતો એક આદેશ સર્વોપરી મનાતો અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં શાંતિ ફેલાઈ જતી. આજે હોબાળો, કકળાટ, રસ્તા પર પ્રદર્શનો અને કમલમમાં પોલીસ ગોઠવવી પડી રહી છે. આ એ ગુજરાત છે જ્યાં સત્તા તો ભાજપની છે પણ ભાજપ પાર્ટીના કાર્યાલયો સલામત નથી. ભાજપના નેતાઓને પોલીસ જાપ્તો અપાઈ રહ્યો છે.
ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ છોડીને ગયેલા ભાજપમાં આજે બદલાવ આવી ગયો છે. આજે સ્થાનિક નેતાઓ ફેલ ગયા છે અને એક એક કરીને 7થી 8 લોકસભા સુધી હોબાળો પહોંચ્યો છે. ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ ગયા છે અને હવે મીડિયા કંટ્રોલ કરવા લાગ્યા છે. ભાજપમાં એ હદ સુધી બળાપો છે કે ભાજપને ફફડાટ લાગી રહ્યો છે કે કોઈ નેતા ભૂલથી પણ કંઈ બોલી જશે અને લોકસભા ચૂંટણીના પ્લાન ફેલ થવાનો ડર ભાજપી નેતાઓમાં બેસી ગયો છે. વડોદરામાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે ખુલ્લેઆમ બળવો પોકારનાર જ્યોતિ પંડ્યાના મીડિયામાં બફાટ બાદ એલર્ટ બની ગયેલી ગુજરાત ભાજપ મીડિયા સેલ સહિતની ટીમને મરચાં લાગ્યા હતા. ત્યાં ફરી બફાટ ના થાય માટે ગુજરાતના તમામ નેતાઓને મૌની બાબા બની રહેવા માટે ગાંધીનગર કમલમથી આદેશો થયા છે.
રૂપાલાના નિવેદન બાદ સૌરાષ્ટ સહીત સમગ્ર ગુજરાતમાં આ મામલે ક્ષત્રિય સમાજમાં રોષ દેખાઈ રહ્યો છે અને હજુ સુધી આ રોષને ડામવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. જેના પગલે ભાજપના સંગઠન મંત્રી રત્નાકર દ્વારા તમામ ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, “રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં તમામ ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો કોઈ પણ પ્રકારની વિવાદિત અને પક્ષને નુકશાન પહોંચાડે એવી ટિપ્પણીથી દૂર રહે અને મીડિયાથી અંતર જાળવે, કોઈ પણ ઉમેદવારોએ મીડિયામાં કંઈ જ બોલવું નહિ” ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપી કાર્યકરો રસ્તા પર છે અને ભાજપ સ્થિતિ સંભાળી શકતું નથી. સીઆર પાટીલ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે દોડાદોડી કરી રહ્યાં છે પણ એક સાંધે ત્યાં 13 તૂટેની જેમ રોજ નવી સીટ પર હોબાળો સામે આવે છે.
ગુજરાતમાં વડોદરા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ અને રાજકોટના વિવાદો શમ્યા નથી ત્યાં આજે અમરેલીના ભાજપના સાંસદે પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે. પેટાચૂંટણીમાં વિજાપુરમાં આયાતી ઉમેદવાર સી જે ચાવડાથી ભાજપના સ્થાનિક નેતાઓ હેન્ડલ થઈ રહ્યાં નથી અને તેઓ ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ તોડી રહ્યાં છે. ગુજરાતમાં જે પ્રકારે નેતાઓ નિવેદનો આપી રહ્યાં છે એ જોઈને ભાજપમાં પણ ફફડાટ વ્યાપ્યો છે એટલે ભાજપે ડેમેજ કંટ્રોલમાં ધ્યાન આપવાને બદલે હવે મીડિયાને પણ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. તમામને મીડિયામાં ન બોલવા પર કમલમથી સ્પષ્ટ આદેશો થયા છે. ભાજપમાં આ હદ સુધીનો ફફડાટ તો ક્યારેય જોવા મળ્યો નથી.
આ દર્શાવે છે કે ભાજપમાં બહારથી દેખાય છે એવું બધુ સમૂસુતરું નથી. હવે નેતાઓને પણ હેટ્રીક ફટકારવા મામલે શંકાઓ થવા લાગી છે. ભાજપમાં અંદરો અંદરનો કકળાટ હવે સપાટી પર આવી રહ્યો છે. ભાજપને પણ લાગી રહ્યું છે કે ક્યાંક કાચું કપાયું છે. પહેલીવાર કોંગ્રેસ ટનાટન અને ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે. એક કે બે દિવસમાં મૌન થઈ જતો બળવો હાલમાં વકરતો જાય છે. દિલ્હી હાઈકમાન્ડે પણ આ મામલે ચૂપકીદી સેવી છે કે સ્થાનિક નેતાઓનું પાણી માપી રહી છે પણ સ્થાનિક નેતાઓ ફેલ ગયા હોવાના રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યા છે. આગામી દિવસોમાં દિલ્હીથી આદેશો થાય તો પણ નવાઈ નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500