જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો મોટો જથ્થો મળ્યા બાદ હવે રાજસ્થાનમાંથી સારા સમાચાર આવી રહ્યા છે, ત્યાં પણ હાલ એક વિશાળ લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. હવે ભારતે લિથિયમ માટે ચીન, ચિલી જેવા ઘણા દેશો પર નિર્ભર રહેવું પડશે નહી. લિથિયમના સતત વધતા વૈશ્વિક બજારની વચ્ચે ભારત માટે આ એક ખૂબ સારા સમાચાર કહી શકાય છે. હાલમાં બોલિવિયા દેશ લિથિયમના ભંડારની બાબતમાં ટોચના સ્થાને છે.
અહેવાલ અનુસાર, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો દાવો છે કે રાજસ્થાનના દેગાનામાં મળેલો આ લિથિયમ ભંડાર જમ્મુ-કાશ્મીરમાં મળેલા ભંડાર કરતા પણ મોટો છે. રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દેગાનામાં મળેલા ભંડાર ભારતની લિથિયમની 80 ટકા માંગને પૂરી કરી શકે છે.
ભારત હવે લિથિયમ ભંડારની બાબતમાં 5મો દેશ
હાલમાં, લિથિયમ અનામતની દ્રષ્ટિએ ટોચના પાંચ દેશો બોલિવિયા, ચિલી, ઓસ્ટ્રેલિયા, ચીન અને યુએસ છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં આટલા મોટા પાયા પર લિથિયમની શોધથી ભારત માટે એક નવી સિદ્ધિ છે. અત્યાર સુધી ભારતે ઉત્પાદન માટે બહારના કેટલાક દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. એક રિપોર્ટ અનુસાર ભારત હવે લિથિયમ ભંડારની બાબતમાં 5મો દેશ બની ગયો છે.
લિથિયમનો અલગ-અલગ જગ્યાએ ઉપયોગ
અત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલ સિવાય ઈલેક્ટ્રિક વાહનોની ચર્ચા જોરમાં છે. દરમિયાન, લિથિયમની આટલી મોટી શોધ ઈલેક્ટ્રિક સેક્ટર માટે પણ ફાયદાકારક બની શકે છે. લિથિયમનો ઉપયોગ આ પ્રકારના વાહનોની બેટરી બનાવવા માટે થાય છે. લિથિયમ લેપટોપ, ફોનની બેટરીમાં પણ મોટી ભૂમિકા ભજવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500