વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે વલસાડનાં છરવાડા ગામનાં દરિયા કિનારે હોડી મારફતે લાવવામાં આવેલો અને કાર્ટિંગ કરવા માટે સંતાડવામાં આવેલો દારૂ અને બિયરનો રૂ.૨.૭૨ લાખનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે જ જિલ્લાના કાંઠા વિસ્તારમાં દરિયાઈ માર્ગે દારૂ-બિયરની હેરફેર કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો ગયો હતો. બનાવની વિગત એવી છે કે, જાહેર રસ્તા બંધ થઈ જતા બુટલેગરોએ જિલ્લાના કાંઠા વિસ્તારનાં ગામોમાં હોડીઓ મારફતે દારૂ-બિયરના વિપુલ જથ્થાની હેરફેર કરવાનો કીમિયો પણ અજમાવ્યો છે.
દરમિયાન વલસાડ એલ.સી.બી.નાં અ.પો.કો. પંકજભાઈ રૂપાભાઈને વલસાડના છરવાડા ગામના દરિયાકિનારા પાસે આવેલી કોલાઈ ખાડી પાસે આ વિસ્તારના કુખ્યાત બુટલેગરોએ દારૂ અને બિયરનો વિપુલ જથ્થો ઝાડી ઝાંખરામાં સંતાડયો હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે એલ.સી.બી. પોલીસની ટીમે છાપો માર્યો હતો. તે દરમિયાન ઝાડી ઝાંખરામાં સંતાડવામાં આવેલી દારૂ અને બિયરની ૨,૬૬૨ બોટલો જેની કિંમત રૂપિયા ૨,૭૨,૪૦૦/- મળી આવી હતી. આમ, પોલીસે દારૂ અને બિયરનો જથ્થો ભરાવનાર સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યો ગધેડો, કનુભાઈ રાઠોડ (રહે.કડૈયા,દમણ), દારૂ અને બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગરો જયેશ રમેશ પટેલ (રહે.દંતરાઈફળિયા,છરવાડા,વલસાડ) અને રિંગલ કાલીદાસ પટેલ (રહે.ભાઠલા ગામ,ગણદેવી,જિ. નવસારી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઘટના અંગે ડુંગરી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500