લાખોની સંખ્યામાં ચેક બાઉન્સના કેસોને ધ્યાનમાં લઇને એ માટે ખાસ નવી કોર્ટ શરૂ કરવા કાયદો ઘડવાની સલાહ સુપ્રીમ કોર્ટે સરકારને ગુરુવારે આપી હતી.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠે જણાવ્યું હતું કે, બંધારણની કલમ ૨૪૭ હેઠળ સંસદે ઘડેલા કાયદાના યોગ્ય રીતે અમલ માટે વધારાની કોર્ટ શરૂ કરવાની સત્તા સરકાર પાસે છે. આ સત્તાનો ઉપયોગ કરીને સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ ઍક્ટ હેઠળ ચૅક બાઉન્સના કેસ ચલાવવા માટે ખાસ કોર્ટ શરૂ કરવી જોઇએ.ખંડપીઠમાં જસ્ટિસ એલ. નાગેશ્ર્વરા રાવ, બી. આર. ગવઇ, એ. એસ. બોપન્ના અને એસ. રવિન્દ્ર ભટનો પણ સમાવેશ થયો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે, એનએ ઍક્ટને કારણે ચૅક બાઉન્સ થવાના કેસ ભયજનક સપાટીએ વધ્યા છે. તમે ચોક્કસ સમય માટે આવા કેસના નિકાલ માટે કોર્ટ શરૂ કરાવી શકો એમ છો.કોર્ટે સરકારને એવી સલાહ પણ આપી હતી કે, આવી કોર્ટમાં નિવૃત્ત જજ અથવા આ મામલાના કોઇ નિષ્ણાતને જજ તરીકે નિમી શકાય. કોર્ટે સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને જણાવ્યું હતું કે, ચૅક બાઉન્સના ૩૦ ટકા કેસ એનએ ઍક્ટના હોય છે અને જ્યારે એ કાયદો ઘડાયો હતો, ત્યારે એની ન્યાય વ્યવસ્થા પર અસર વિશે તપાસ કરવી જોઇતી હતી, પણ એ કરવામાં નહોતી આવી. એ તપાસ ત્યારે નહોતી કરાઇ તો સરકારે એ અત્યારે કરવી જોઇએ અને બંધારણમાં આપેલી સત્તાનો ઉપયોગ કેન્દ્ર સરકારે કરવો જોઇએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500