વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ૨૦ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્ત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીનું દુઃખદ અવસાન થતાં કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે આટોપી બે મીનીટનું મૌન પાળી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પારડી તાલુકાના ૨૦ ગામોના ખેડૂતોના ૧૨૭૩ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે. જેમાં પરવાસા, કચવાલ, મોટાવાઘછીપા, નાના વાઘછીપા, સોનવાડા, વરઇ, નીમખલ, પંચલાઇ, રાબડી, આસમા, બરઇ, ગોઇમા, ખેરલાવ, ઉમરસાડી, બાલદા, બોરલાઇ, કુંભારીયા, સોંઢલવાડા, સુખેશ ગામોનો સમાવેશ થાય છે.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે તેવો કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજના અંતર્ગત પારડી તાલુકાના વીસ ગામોના ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન વીજળી મળવાથી તેમની ખેતીવાડી માટે દિવસે વીજળી મેળવવાની અપેક્ષા પૂર્ણ થશે. ૨૦૨૨ સુધીમાં તબક્કાવાર દરેક ગામોમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની છે. ગુજરાતમાં જ્યારે વીજળીની ઘટ હતી ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચોક્કસ આયોજન કરી જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ થકી ઘર વપરાશ માટે ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500