ફિલિપાઈન્સમાં તોફાન પૈંગએ તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર, ગત તા.27 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 105 લોકોનાં મોત થયા છે. જોકે 10 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. પૂર અને ભૂસ્ખલનથી મૈગુઇન્ડાઓ અને બંગસામોરો પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. આ વિસ્તારોમાં સૌથી વધુ 53 મોત થયા છે. ડિજાસ્ટર રિસ્પોન્સ એજન્સી અનુસાર, 69 લોકો ઘાયલ થયા છે અને 63 ગુમ છે.
જોકે પૂર અને ભૂસ્ખલનને કારણે 4,000થી વધુ મકાનો ધરાશાયી થયા હતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમનાં અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 9 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, 40,000થી વધુ ખેતીની જમીનને નુકસાન થયું છે. તેનાથી દેશમાં ખાદ્ય સંકટનું જોખમ વધી ગયું છે. ફિલિપાઈન્સમાં દર વર્ષે 20 ગંભીર તોફાનો આવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલિપાઈન્સમાં રાય વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં લગભગ 208 લોકોના મોત થયા હતા અને લગભગ 4 લાખ લોકો પ્રભાવિત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500