Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલની સરકારી નર્સિંગ કોલેજના નર્સિગ વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ સેરેમની અને શપથવિધિ સમારોહ યોજાયો

  • February 02, 2024 

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજમાં પ્રવેશ પામનાર ૧૪મી બેચના પ્રથમ વર્ષના બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત લેમ્પ લાઈટનિંગ સેરેમનીમાં ૧૪મી બેચના વિદ્યાર્થીઓને નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે અને બી.એસ.સી.નર્સિંગ પૂર્ણ કરી ડિગ્રી મેળવનાર ૧૦મી બેચના ૬૦ વિદ્યાર્થીઓને ટી.બી. અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ શપથ લેવડાવ્યા હતા. લેમ્પ લાઈટનિંગ સેરેમનીમાં વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રદીપ્ત કરી આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટિંગેલની સાક્ષીએ તાલીમાર્થીઓએ નર્સિંગ વ્યવસાય દ્વારા જીવનભર માનવસેવામાં કાર્યરત રહેવાના શપથ લીધા હતા.


મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે નર્સના જીવનમાં લેમ્પ લાઈટનિંગ અને શપથનું મહત્વ સમજાવતાં કહ્યું કે, માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવનાર, ઈ.સ. ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે લેમ્પ લાઈટનિંગ અને શપથની વિભાવના સંકળાયેલી છે. તેમને આધુનિક નર્સિંગના પ્રણેતારૂપે 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ હોસ્પિટલનું હૃદય છે, અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમના વિના વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. અત્યાર સુધી લેબોરેટરીમાં તાલીમ મેળવી છે.


પરંતુ હવે હોસ્પિટલોમાં જઈને વાસ્તવિક દર્દીઓની સેવાસુશ્રુષા કરવાની છે, ત્યારે નર્સિંગ સ્ટાફે સેવાપરાયણતાના ભાવ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની ટકોર કરી હતી. તેમણે સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે નર્મદ યુનિ.ના નોમિનેટ બોર્ડ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નર્સિંગ એ ઉમદા વ્યવસાય છે, આજના સમયમાં નર્સિંગને કારકિર્દીનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. ડોક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છે. આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે.


ઘણા સંજોગોમાં દર્દીઓનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. નર્સિંગ ક્ષેત્રે પોતાની કારકિરિર્દી બનવાવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે, કારણ કે શિક્ષણની સાથે સેવા કરવાનો અવસર એકમાત્ર મેડિકલના વિદ્યાર્થીઓને મળે છે, જેથી પુર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવી જોઈએ એમ તેણે ઉમેર્યું હતું. નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ગત ડિસે. માસમાં નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓનું AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્શન થયું છે, જે દક્ષિણ ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના છે.


નર્સિંગ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવે છે. સુરતની સરકારી નર્સિંગ કોલેજના છાત્રોને કોર્સ બાદ મળતી ૧૦૦ ટકા રોજગારી અહીંની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવે છે. આ પ્રસંગે સુરત નર્સિંગ કોલેજમાં ૩૩ વર્ષની સુદીર્ઘ ફરજ નિભાવી વયનિવૃત્ત થયેલા પ્રો.કિરણ દોમડીયાને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા. નોંધનીય છે કે, નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ હોસ્પિટલના વોર્ડમાં જઈ નર્સિંગ તાલીમાર્થીઓ દર્દીઓ ને સેવા સારવારની પ્રેક્ટિકલ અને રિઅલ પ્રેક્ટિસ કરતા પહેલા કર્તવ્યભાવના સાથે દર્દીઓની સેવા કરવાના શપથ ગ્રહણ કરે છે. જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ શરૂ કરતા પહેલા લેમ્પ લાઈટનીંગ કરી આ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application