મહાનુભાવોના હસ્તો “તાલુકા જાગૃત કિશોરીઓ”ને પ્રસંશાપત્ર, પ્રોત્સાહક રકમ સાથોસાથ પ્રોત્સાહન ભેટ અર્પણ કરાઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં રિજેન્ટા હોટલ ભરૂચ ખાતે કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે દિશા નિર્દેશક બનેલી કિશોરી ઉત્કર્ષ પહેલનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેએ, પ્રેરણાદાયી પ્રાસંગોચિત્ત ઉદબોધનમાં આશા વ્યક્ત કરતા કહ્યું કે, આ કાર્યક્રમ સમાજના ઉજ્વળ ભવિષ્ય માટે એક નવી આશા અને સંગઠિત દૃષ્ટિકોણ સાબિત થશે. કિશોરી ઉત્કર્ષ પહેલ ભરૂચ જિલ્લાની કિશોરીઓના સશક્ત અને પ્રકાશમય ભવિષ્ય માટે મજબૂત પાયો ઊભો કરશે.
આ તકે, તેમણે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા કીશોરી ઉત્કર્ષ અભિયાન વિશે સવિસ્તાર માહિતી આપતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ એપ્રિલ ૦૧, ૨૦૨૨ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, ન્યુ દિલ્હી ખાતે આયોજિત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં આપણાં સમાજની દીકરીઓની ક્ષમતા, આકાંક્ષા અને લાગણીઓને પારખી, તેઓને સુવર્ણ અવસર આપીને તેઓને સંસ્થાકીય રીતે જોડવા અંગે આહ્વાન કર્યું હતું. આ વિચારને મૂળમંત્ર બનાવીને ભરૂચ જિલ્લામાં પણ કિશોરીઓની ૦૬ મોડ્યુલ્સ અંગેની ગુણાત્મક તાલીમ તથા અનેક માહિતીપ્રદ સ્થળોની મુલાકાત કરાવીને કિશોરીઓમાં સ્વ-જાગૃતતા આવે અને ચયન પામેલી કિશોરીઓ “આદર્શ કિશોરી”નું બિરુદ મેળવીને સંસ્થાકીય રીતે જોડાય એવા શુભ હેતુથી “કિશોરી ઉત્કર્ષ પહેલ” નામની સીએસઆર પરિયોજનાનો શુભારંભ રાષ્ટ્રીય બાલિકા દિનના દીને કલેક્ટર કચેરી, ભરૂચ ખાતેથી કરવામાં આવ્યો હતો.
જે અભિયાન હવે ભરૂચ જિલ્લામાં વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. વધુ તેમણે ઉમેર્યું હતુ કે, અંકલેશ્વર અને ભરૂચ અર્બન બ્લોકની આદર્શ કિશોરીઓ ભવિષ્યમાં સમાજ માટે સકારાત્મક પરિવર્તનના પ્રેરક બનશે. તેમજ કિશોરીઓને નિર્ભયતા પૂર્વક તેમના સ્વપ્નાની પૂર્તિ માટે હંમેશાં પ્રયાસરત રહેવા અને તેમના પોતાના વિસ્તારમાં નેતૃત્વ કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે, કિશોરી ઉત્કર્ષ પહેલ હેઠળ પસંદ થયેલી કિશોરીઓએ પોતાના જીવનમાં થયેલા મહત્વપૂર્ણ પરિવર્તનો વિશેના અનુભવ રજૂ કર્યા હતા.
તેમના સંવાદોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ કુશળતા અને મજબૂત દૃષ્ટિકોણનું પ્રતિબિંબ ઝલક્યું હતું. જે શ્રોતાઓના હૃદયમાં ઊંડો અસરકારક સંદેશ પહોંચાડતો હતો. આ તકે, જાગૃત કિશોરીઓએ સામૂહિક રૂપે એક પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં તેઓએ તેમના વ્યક્તિગત વિકાસ, સમુદાય સેવા અને સામાજિક પરિવર્તન માટે પ્રતિબદ્ધ રહેવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ પ્રસંગે “તાલુકા જાગૃત કિશોરીઓ”ને પ્રસંશાપત્ર, પ્રોત્સાહક રકમ અને ઓએનજીસી અંકલેશ્વર એસેટ તરફથી ટેબ્લેટ પ્રોત્સાહન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. એજ રીતે, પસંદ પામેલ “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને પ્રોત્સાહન રકમનો ચેક અને પ્રસંશાપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. અને માસ્ટર ટ્રેનર્સને પ્રસંશાપત્ર એનાયત કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500