Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવનાર વડોદરાની ખુશ્બુ પરમાર યુવાઓ માટે પ્રેરણાદાયી બની- જાણો કોણે કરી હતી આર્થીક સહાય

  • December 25, 2021 

મહેનત, સંઘર્ષ અને સફળતા એ એક સીડીના પ્રથમ ત્રણ ચઢણિયા છે અને એક બીજાના પૂરક છે. આ વાતની પ્રતીતિ ખુશ્બુ પરમાર નામની એક યુવતી કરાવે છે. બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી આ યુવતીને તેમની માતાએ ભણાવી અને કમર્શિયલ પાઇલટ બનાવી છે. ગુજરાત સરકારે આપેલી આર્થિક સહાયરૂપી પાંખથી ખુશ્બુ આજે સફળતાના આકાશમાં વિહરી રહી છે. ગુજરાત સરકાર યુવાઓને કારકિર્દી ઘડવામાં દરેક સહાય પુરી પાડવાના ઉત્તમ પ્રયાસો કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ યુવાનોનું ભાવિ ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ, યુવાઓ અને વંચિત સમાજને મદદરૂપ થવા સરકારની વિશેષ યોજનાઓ સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

વડોદરાના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી ૨૮ વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી એકમાત્ર સ્વપ્ન હતું આકાશમાં ઉડવાનું. નાનપણમાં પિતાના અવસાનને પરિણામે નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ વચ્ચે મુશ્કેલીના પહાડ સમાન હતી. માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે અને તેમણે પોતાની દીકરીના આંખના સપનાના આંજણને ઝાંખુ પડવા દીધું નહીં. ધોરણ ૧૨ સાયન્સ સુધી લગનથી અભ્યાસ કરાવ્યો. ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમ અને ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના તેનું સપનું સાકાર કરવામાં જોડાઈ ગયા.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખુશ્બુનું પાઇલટ બનવાનું સ્વપ્ન સાકાર થયું. ગુજરાત સરકારની યોજના હેઠળ રૂ. ૨૪,૭૨,૦૦૦ ની લોન દ્વારા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને  ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે.


ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાઓની નબળી આર્થિક પરિસ્થિતિમાં મદદ કરી તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીને સમાન તક આપવાના પ્રયાસો કરે છે. કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હાયર સેકન્ડરી અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ટ્રેનીંગ અર્થે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૫ લાખની લોન ૪% વ્યાજના દરે આપવામાં આવે છે. લાભાર્થીએ તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપવાની રહેશે. વધુમાં, લાભાર્થીને લોનની ચુકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત શરૂ કરવામાં આવે છે. દેશના યુવાધનને સતત પ્રોત્સાહન અને નવી તકો આપવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવીને ખુશ્બુએ પોતાના પરિવાર અને સમાજને ગર્વિત કર્યા છે. ખુશ્બુ હાલની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application