Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલ નગરપાલિકા દ્વારા ફાયર NOC ના હોય તેવા વધુ સાત એકમોને નોટિસ ફટકારી

  • June 04, 2024 

કલોલ નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા વધુ સાત એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારીને ત્રણ દિવસની અંદર ફાયર સેફટી તેમજ એનઓસી સર્ટિફિકેટ લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે. સોમવારના રોજ શહેરના જેપી ગેટ વિસ્તારમાં દુકાનો તેમજ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી અને એનઓસી માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. કલોલ શહેરના મોટાભાગના કોમશયલ કોમ્પ્લેક્સ, શાળા-કોલેજો, રેસ્ટોરન્ટ, મોલ અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી ત્યારે તંત્ર દ્વારા ફક્ત નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.


અમુક સ્થળોએ આ એકમો જોખમી રીતે ચાલી રહ્યા હોવા છતાં તેને સીલ કરવામાં આવતા નથી તેવી ફરિયાદ પણ ઉઠી છે. કલોલના શુકન કોમ્પ્લેક્સમાં ખાણીપીણીના એકમો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હોવા છતાં બેરોકટોકપણે ધમધમી રહ્યા છે. ત્રણ દિવસની સમયમર્યાદા પૂર્ણ થનાર છે ત્યારે પાલિકા તંત્ર કામગીરી કરશે કે નહીં તે સવાલ ઉપસ્થિત થયો છે. સમગ્ર કલોલમાં ફાયર સેફટી અંગેની જેની સૌથી વધુ જવાબદારી છે તેવી નગરપાલિકામાં પણ ફાયર એક્ટીગ્યુશરની નામમાત્રની સુવિધા છે. કલોલ નગરપાલિકામાં અગ્નિશામક સાધનો પૂરતા નથી.


નગરપાલિકાના વિશાળ મકાનમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સંખ્યામાં ફાયરના બાટલા છે. સમગ્ર કલોલને નિયમ બતાવતી નગરપાલિકા પાસે અપૂરતી સુવિધા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટીના સાધનોની માંગ વધી છે. કલોલ શહેરમાં અગ્નિશામક સાધનો વેચતા વેપારીઓને તડાકો પડી ગયો છે. આ વેપારીઓ દ્વારા નિયત કિંમત કરતા વધુ કિંમતે અગ્નિશામક સાધનો વેચવામાં આવી રહ્યા છે તેવો લોકોએ આક્ષેપ કર્યો છે. ફાયર એક્ટીગ્યુશર કાળા બજાર કરીને ઊંચી કિંમત લઈને વેચવામાં આવી રહ્યા છે. ફાયર સેફટીના દુકાનદારો આગળથી સપ્લાય આવતો નથી તેમ કહીને કૃત્રિમ અછત ઊભી કરે છે અને ગ્રાહકોને મોંઘા ભાવે ફાયર સેફટીના સાધનો ખરીદવાની ફરજ પાડી રહ્યા છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા તપાસ કરીને આ રીતની પ્રવૃત્તિ આચરનારા વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News