Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા અને રાજ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય સેવાયજ્ઞ યોજાયો

  • March 08, 2023 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ) ખાતે તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા શાખા,વ્યારા અને ગુજરાત રાજય શાખાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ આપના દ્વારે કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રીભીખાભાઈ ઝવેરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાનશ્રી  દિલ્હી આઈ.એમ.એ.સેક્રેટરી જનરલશ્રી ડો.અનિલકુમાર નાયક,વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ચેરમેનશ્રી અરવિંદભાઈ પટેલ,સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ.ચેરમેન શ્રીનરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરોગ્ય સેવાયજ્ઞ યોજાયો હતો. 


સમારંભના અધ્યક્ષ શ્રીભીખાભાઈ ઝવેરભાઈ પટેલે જણાવ્યું હતું કે રેડક્રોસ સંસ્થા દ્વારા માનવ કલ્યાણના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનો મુખ્ય હેતુ આમજનતાને સાંકળવાનો એક ભગિરથ પ્રયાસ છે. તાપી જિલ્લો ચેલેન્જ ઉપાડનારો જિલ્લો છે. આ પ્રદેશમાં ચેલેન્જ ઉપાડવાની જરૂર છે. તાપી જિલ્લામાં દરેક તાલુકા મથકે રેડક્રોસ દ્વારા ડેન્ટલ કેર,ફિઝિયોથેરાપી,પેથોલોજી લેબ,જેનેરિક સ્ટોર,બ્લડ બેંક જેવા આરોગ્યના સેવા યજ્ઞ માટે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવુ પડશે.જેના માટે સૌએ સાથે મળીને આ પડકારરૂપી કાર્યમાં જોડાવવાનું છે.   

   

 કલેકટર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી પ્રમુખ સુશ્રી ભાર્ગવી દવેએ વસંતની સલૂણી સંધ્યાએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે ૧૮૬૩માં રેડક્રોસની સ્થાપના થઈ હતી. ૨૦ માર્ચ ૧૯૨૦માં ભારતમાં તેની સ્થાપના થઈ હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાાથી અને નાણામંત્રી નિર્મલા સીતારમણના દુરંદેશી વિચારોથી બે તાલુકાઓમાં એસ્પરેશન બ્લોકની રચના કરવામાં આવી છે. આપણાં જિલ્લાના તમામ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કલેકટરશ્રી દવેએ અપેક્ષા વ્યક્ત કરી હતી. 

             

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત રાજ્ય શાખા,અમદાવાદ ચેરમેનશ્રી અજયભાઈ પટેલે જિલ્લા ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપણાં વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને આરોગ્યના આ સેવાયજ્ઞમાં સાંકળી લેવામાં આવશે. કુલ ૨૫ જગ્યાએ બ્લડ બેંક બનાવવાનું આયોજન છે. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાથી બ્લડ બેંકની તાતી જરૂરિયાત છે. રેડક્રસના આ સેવાયજ્ઞમાં સમાજના શ્રેષ્ઠીઓએ મન મુકીને દાનની સરવાણી વહાવી હતી. કપુરાના જી.એચ.ભક્ત મેમો.ટ્રસ્ટ દ્વારા રૂ.૧ કરોડ,અજયભાઈ પટેલ તરફથી રૂ.૨૫ લાખ,ડો.અનિમેશ-પલ્લવીબહેન તરફથી રૂ. ૨૫ લાખ,રેડક્રોસ કમીટી મેમ્બર તરફથી રૂ.૧૧ લાખ, અશોકભાઈ ભીખુભાઈ શાહ તરફથી રૂ.૧૦ લાખ,જક્શ ડીજીટલ પ્રા.લી. તરફથી રૂ.૫ લાખનું  દાન રેડક્રોસની સ્થાપના માટે જાહેર કરાયું હતું. જ્યારે લાયન્સ ગૃપ ઓફ હાર્ટ દ્વારા રેડક્રોસના પ્રકલ્પના ભૂમિપૂંજન દરમિયાન અજયભાઈ પટેલના જહેમતભર્યા પ્રયાસ માટે રક્તતુલા કરવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.   

               

રેડક્રોસ સોસાયટીના આ સેવાકીય મહાયજ્ઞમાં ડો.પ્રકાશ પરમાર, રાકેશભાઈ શાહ,ડો.અજયભાઈ દેસાઈ, સંજયભાઈ શાહ, કે.એ.પીએસના પી.એસ. રોય,જે.કે.પેપર મીલના મુકલ વર્મા, વ્યારા નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા, પદ્મશ્રી રમીલાબેન ગામીત,દિવાળીબા ટ્રસ્ટના નવીનકાકા,જી.એચ.ભક્ત મેમો.ટ્રસ્ટના ગૌરાંગભાઈ,સમીરભાઈ ભક્ત સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશભાઈ ભટ્ટે સૌ મહાનુભવોનું સ્વાગત કરી શબ્દોથી આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીલીમોરાના ડો.કિશોરભાઈ નાયકે કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે પ્રિયંકા ઉપાધ્યાયે સરસ્વતીવંદના રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application