ઝારખંડનાં મુખ્યપ્રધાન ચંપઇ સોરેને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ અગાઉ સત્તાધારી સંગઠનના નેતાઓ અને ધારાસભ્યોએ ચંપઇ સોરેનના નિવાસ સ્થાને બેઠક યોજી હેમંત સોરેનની સર્વ સંમતિથી ઝામુમો ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરી હતી. ચંપઇ સોરેને રાજભવનથી બહાર આવ્યા પછી જણાવ્યું હતું કે, મે ઝામુમો નેતૃત્ત્વવાળા ગઠબંધનના નિર્ણય અનુસાર રાજીનામું આપી દીધું છે. અમારું ગઠબંધન મજબૂત છે.
તેમણે જણાવ્યું હતું કે, સૌ જાણે છે કે હેમંત સોરેન સાથે શું થયું હતું. ગઠબંધનના સહયોગીઓએ મને જવાબદારી આપી હતી. હવે ગઠબંધને હેમંત સોરેનના પક્ષમાં નિર્ણય લીધો છે. જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન આપ્યા પછી હેમંત સોરેનની ધરપકડના લગભગ પાંચ મહિના પછી 28 જૂને જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતાં. હેંમત સોરેનની 31 જાન્યુઆરી, 2024નાં રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા હેંમત સોરને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, પૂર્વ મુખ્યપ્રધાન અને જેએમએમ નેતા હેમંત સોરેનને જામીન આપવાના ઝારખંડ હાઇકોર્ટના ચુકાદાને ઇડી સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ હાઇકોર્ટે 28 જૂને હેમંત સોરેનને જામીન આપ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500