આંતરરાષ્ટ્રીય સ્તરે ઓેઇલના ભાવ વધતા વિમાન ઇંધણના ભાવમાં ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક કિલોલીટર એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)નો ભાવ રૂ.૨૯૪૧.૫ રૂપિયા વધીને ૯૦,૫૩૮.૭૨ રૂપિયા થઇ ગયો છે. આ વધારા અગાઉ એટીએફના ભાવમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો જેના કારણે તેનો ભાવ વર્ષની નીચલી સપાટીએ આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, એક ઓક્ટોબરે એટીએફના ભાવમાં ૬.૩ ટકા એટલે કે ૫૮૮૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે એક સપ્ટેમ્બરે એટીએફના ભાવમાં ૪.૫૮ ટકા એટલે કે ૪૪૯૬.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં એક કીલોલિટર એટીએફનો ભાવ ૮૧,૮૬૬.૧૩ રૂપિયાથી વધીને ૮૪,૬૪૨.૯૧ રૂપિયા થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીના ૧૯ કીલોના સિલિન્ડરનો ભાવ ૬૨ રૂપિયા વધારીને ૧૮૦૨ રૂપિયા કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.
એક ઓક્ટોબરે ૪૮.૫ રૂપિયા વધારીને ૧૭૪૦ રૂપિયા કરવામાં આવ્યો હતો.એક સપ્ટેમ્બરે ૩૯ રૂપિયા અને એક ઓગસ્ટે ૬.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને મુંબઇમાં ૧૭૫૪.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૯૧૧.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૧૯૬૪.૫૦ રૂપિયા થઇ ગયો છે. ઘરમાં વાપરવામાં આવતા રાંધણના ગેસના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૦૩ રૂપિયાએ યથાવત રાખવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૪.૭૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયાએ યથાવત રાખવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500